independenceday-2016

Press Information Bureau

Government of India

Prime Minister's Office

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 72 માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ કરેલા સંબોધનનો મૂળ પાઠ

Posted On :15, August 2018 13:35 IST

 

મારા વ્હાલા દેશવાસીઓ,

 

આઝાદીના પાવન પર્વની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ.

 

આજે દેશ એક આત્મવિશ્વાસથી ભરેલો છે. સપનાઓને સંકલ્પની સાથે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને દેશ નવી ઊંચાઈઓને પાર કરી રહ્યો છે. આજનો સૂર્યોદય એક નવી ચેતના, નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવી ઊર્જા લઇને આવ્યો છે.

 

મારા વ્હાલા દેશવાસીઓ, આપણા દેશમાં 12 વર્ષમાં એક વાર નીલકુરિંજીનું ફૂલ ઉગે છે. આ વર્ષે દક્ષિણની નીલગીરીની પહાડીઓ ઉપર આપણું આ નીલકુરિંજીનું પુષ્પ જાણે ત્રિરંગા ઝંડાના અશોક ચક્રની જેમ દેશની આઝાદીના પર્વમાં લહેરાઈ રહ્યું છે.

 

મારા વ્હાલા દેશવાસીઓ, આઝાદીનું આ પર્વ આપણે ત્યારે ઉજવી રહ્યા છીએ જ્યારે આપણી દીકરીઓ ઉત્તરાખંડ, હિમાચલ, મણીપુર, તેલંગણા, આંધ્રપ્રદેશ આ રાજ્યોની આપણી દીકરીઓએ સાત સમુદ્ર પાર કર્યા અને સાતેય સમુદ્રને તિરંગાના રંગથી રંગીને તેઓ આપણી વચ્ચે પાછી આવી છે.

 

મારા વ્હાલા દેશવાસીઓ, આપણે આઝાદીનું પર્વ આજે એવા સમય પર ઉજવી રહ્યા છીએ જ્યારે એવરેસ્ટ વિજય તો ઘણા થયા, આપણા અનેક વીરોએ, અનેક આપણી દીકરીઓ એવરેસ્ટ પર જઈને તિરંગો ઝંડો લહેરાવ્યો છે પરંતુ આ આઝાદીના પર્વમાં હું એ વાતને યાદ કરીશ કે આપણા દુર સુદૂરના જંગલોમાં જીવનારા નાના-નાના આદિવાસી બાળકોએ આ વખતે પહેલી વાર એવરેસ્ટ પર તિરંગો ઝંડો લહેરાવીને તિરંગા ઝંડાની શાન વધારી છે.

 

મારા વ્હાલા દેશવાસીઓ હમણાં જ લોકસભા, રાજ્યસભાના સત્ર પુરા થયા છે. તમે જોયું હશે કે સદન ખૂબ સારી રીતે ચાલ્યું અને એક રીતે સંસદના આ સત્રો સંપૂર્ણ રીતે સામાજિક ન્યાયને સમર્પિત હતા. દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય કે મહિલાઓ હોય, તેમના હકોની રક્ષા કરવા માટે આપણી સંસદે સંવેદનશીલતા અને સજાગતાની સાથે સામાજિક ન્યાયને વધારે બળવત્તર બનાવ્યો છે.

 

ઓબીસી આયોગને વર્ષોથી બંધારણીય સ્થાન માટેની માંગ ચાલી રહી હતી. આ વખતે સંસદે પછાત, અતિ પછાતના એ આયોગને બંધારણીય દરજ્જો આપીને, એક બંધારણીય વ્યવસ્થા આપીને, તેમના હકોની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો છે.

 

આપણે આજે એવા સમયે આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છીએ, જ્યારે આપણા દેશમાં આ સમાચારોએ નવી ચેતના જગાવી છે જેનાથી દરેક ભારતીય કે જે દુનિયાના કોઈપણ ખૂણામાં કેમ ન રહેતો હોય, આજે એ વાતનો ગર્વ કરી રહ્યો છે કે ભારતે વિશ્વના છઠ્ઠા મોટા અર્થતંત્રમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. એવા એક હકારાત્મક માહોલમાં, સકારાત્મક ઘટનાઓની શ્રૃંખલાની વચ્ચે આજે આપણે આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છીએ.

 

દેશને આઝાદી અપાવવા માટે પૂજ્ય બાપુના નેતૃત્વમાં લાખો લોકોએ પોતાનું જીવન ખપાવી દીધું, યુવાની જેલોમાં પસાર કરી નાખી. અનેક ક્રાંતિકારી મહાપુરુષોએ ફાંસીના માંચડે લટકીને દેશની આઝાદી માટે ફાંસીના ફંદાઓને પસંદ કરી લીધા. હું આજે દેશવાસીઓ તરફથી આઝાદીના આ વીર સેનાનીઓને હૃદયપૂર્વક નમન કરું છું, અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું જે તિરંગા ઝંડાની આન બાન શાન, આપણને જીવવા ઝઝૂમવાની, મરી મીટવાની પ્રેરણા આપે છે, જે તિરંગાની શાનને માટે દેશની સેનાના જવાનો પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે, આપણા અર્ધસૈનિક દળ જિંદગી ખપાવી નાખે છે, આપણા પોલીસ દળના જવાનો સામાન્ય માનવીની રક્ષા માટે દિવસ રાત દેશની સેવામાં લાગેલા રહે છે.

 

હું સેનાના બધા જ જવાનોને, અર્ધસૈનિક દળોને, પોલીસના જવાનોને, તેમની મહાન સેવા માટે, તેમની ત્યાગ તપસ્યા માટે, તેમના પરાક્રમ અને પુરુષાર્થ માટે આજે તિરંગા ઝંડાની સાક્ષીએ લાલ કિલ્લાની પ્રાચીરથી શત-શત નમન કરું છું અને તેમને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

 

વર્તમાન દિવસોમાં દેશના જુદા-જુદા ખૂણેથી વરસાદના સમાચાર આવી રહ્યા છે તો તેની સાથે-સાથે પૂરના પણ સમાચાર આવી રહ્યા છે. અતિવૃષ્ટિ અને પૂરને કારણે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા છે, જેમને મુસીબતો ઉઠાવવી પડી છે તે સૌની સાથે દેશ સંપૂર્ણ શક્તિ સાથે તેમની મદદ માટે ઉભેલો છે અને જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે, તેમના દુઃખમાં હું સહભાગી છું.

 

મારા વ્હાલા દેશવાસીઓ, આગામી વૈશાખીએ આપણા જલિયાંવાલા બાગના નરસંહારને સો વર્ષ થઇ રહ્યા છે. દેશના સામાન્ય લોકોએ દેશની આઝાદી માટે કેવી રીતે જાનની બાજી લગાવી દીધી હતી અને કેટલા જુલમની સીમાઓને પસાર કરી હતી. જલિયાંવાલા બાગ આપણા દેશના તે વીરોના ત્યાગ અને બલિદાનનો સંદેશ આપે છે. હું તે તમામ વીરોને હૃદયપૂર્વક, આદરપૂર્વક નમન કરું છું.

 

મારા વ્હાલા દેશવાસીઓ, આ આઝાદી એમ જ નથી મળી. પૂજ્ય બાપુના નેતૃત્વમાં અનેક મહાપુરુષોએ, અનેક વીર પુરુષોએ ક્રાંતિકારીઓના નેતૃત્વમાં અનેક નવયુવાનોએ, સત્યાગ્રહની દુનિયામાં રહેનારાઓએ પોતાની યુવાની જેલોમાં પસાર કરી નાખી. દેશને આઝાદી અપાવી, પરંતુ આઝાદીના આ સંઘર્ષમાં સપનાઓને પણ સજાવ્યા છે. ભારતના ભવ્ય સ્વરૂપને પણ તેમણે મનમાં અંકિત કર્યું છે. આઝાદીના અનેક વર્ષો અગાઉ તમિલનાડુના રાષ્ટ્ર કવિ સુબ્રહ્મણ્યમ ભારતીએ પોતાના સપનાઓને શબ્દોમાં પરોવ્યા હતા.

અને તેમણે લખ્યું હતું-

 

એલ્લારૂમ્ અમરનિલઈ આઈડુમનાન

મુરઈઅઈ ઇન્ડિયા ઊલાગિરીક્કુ અલિક્કુમ

 

એટલે કે ભારત, તેમણે આઝાદી પછી કયા સપનાઓ જોયા હતા? સુબ્રહ્મણ્યમ ભારતીએ કહ્યું હતું કે ભારત પૂરી દુનિયાના દરેક પ્રકારના બંધનોથી મુક્તિ મેળવવાનો રસ્તો બતાવશે.

 

મારા વ્હાલા દેશવાસીઓ, આ મહાપુરુષોના સપનાઓને પુરા કરવા માટે આઝાદીના સેનાનીઓની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે, દેશના કોટી-કોટી જનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે આઝાદી પછી પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં ભારતે એક સમાવેશી બંધારણનું નિર્માણ કર્યું. આ આપણું સમાવેશી બંધારણ એક નવા ભારતના નિર્માણનો સંકલ્પ લઇને આવ્યું છે. આપણા માટે કેટલીક જવાબદારીઓ લઈને આવ્યું છે. આપણા માટે સીમા રેખાઓ નક્કી કરીને આવ્યું છે. આપણા સપનાઓને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગને દરેક તબક્કાને ભારતના દરેક ભૂ-ભાગને સમાન રૂપે અવસર મળે એ રીતે આગળ લઇ જવા માટે આપણું બંધારણ આપણને માર્ગદશન કરતું રહે છે.

 

મારા વ્હાલા ભાઈઓ બહેનો, આપણું બંધારણ આપણને કહે છે, ભારતના તિરંગા ઝંડાથી આપણને પ્રેરણા મળે છે- ગરીબોને ન્યાય મળે, તમામ ને, જન-જનને આગળ વધવાનો અવસર મળે, આપણો નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, તેમને આગળ વધવામાં કોઈ અડચણ ન આવે, સરકારની અડચણો ન આવે. સમાજ વ્યવસ્થા તેમના સપનાઓને કચડી ન નાખે, તેમને વધુમાં વધુ અવસર મળે, તેઓ જેટલો વિકાસ કરવા માગે છે, ખીલવા માગે છે, આપણે એક વાતાવરણ બનાવીએ.

 

આપણા વડીલો હોય, આપણા દિવ્યાંગ હોય, આપણી મહિલાઓ હોય, આપણા દલિત, પીડિત, શોષિત હોય, આપણા જંગલોમાં જીવન વિતાવનારા આદિવાસી ભાઈઓ-બહેનો હોય, દરેકને તેમની આશા અને અપેક્ષાઓ અનુસાર આગળ વધવાનો અવસર મળે. એક આત્મનિર્ભર હિન્દુસ્તાન હોય, એક સામર્થ્યવાન હિન્દુસ્તાન હોય, એક વિકાસની નિરંતર ગતિને જાળવી રાખનારુ, સતત નવી ઉંચાઈઓને પાર કરનારુ હિન્દુસ્તાન હોય, દુનિયામાં હિન્દુસ્તાનની શાખ હોય અને એટલું જ નહીં, અમે ઈચ્છીએ છીએ કે દુનિયામાં હિન્દુસ્તાનની ચમક પણ હોય. અમે તેવું હિન્દુસ્તાન બનાવવા માંગીએ છીએ.

 

મારા વ્હાલા દેશાવાસીઓ, મેં પહેલા પણ ટીમ ઇન્ડિયાની કલ્પના તમારી સમક્ષ રાખી છે. જ્યારે સવા સો કરોડ દેશવાસીઓની ભાગીદારી હોય છે, જન-જન દેશને આગળ વધારવા માટે અમારી સાથે જોડાય છે, સવા સો કરોડ સપનાઓ, સવા સો કરોડ સંકલ્પ, સવા સો કરોડ પુરુષાર્થ, જ્યારે નિર્ધારિત લક્ષ્યની પ્રાપ્તિ માટે સાચી દિશામાં ચાલી નીકળે છે તો શું નથી થઇ શકતું?

 

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, હું આજે ખૂબ જ નમ્રતાપૂર્વક ખૂબ આદર સાથે એ જરૂરથી કહેવા માંગીશ કે 2014માં આ દેશના સવા સો કરોડ નાગરિકોએ સરકાર પસંદ કરી હતી તો ત્યારે તેઓ માત્ર સરકાર બનાવીને અટકી ગયા નહોતા. તેઓ દેશ બનાવવા માટે લાગેલા પણ છે, લાગેલા પણ હતા અને લાગેલા રહેશે પણ ખરા. હું સમજુ છું એ જ તો આપણા દેશની તાકાત છે, સવા સો કરોડ દેશવાસીઓ, હિન્દુસ્તાનના છ લાખથી વધુ ગામડાઓ. આજે શ્રી અરવિંદની જન્મ જયંતી છે. શ્રી અરવિંદે ખૂબ સચોટ વાત કહી હતી. રાષ્ટ્ર શું છે, આપણી માતૃભૂમિ શું છે, તે કોઈ જમીનનો ટુકડો નથી, ન તો તે માત્ર સંબોધન છે, ન તો તે કોઈ કોરી કલ્પના છે રાષ્ટ્ર એક વિશાળ શક્તિ છે, જે અસંખ્ય નાના નાના એકમોને સંગઠિત ઊર્જાનું મૂર્ત રૂપ આપે છે. શ્રી અરવિંદની આ કલ્પના જ આજે દેશના દરેક નાગરિકને, દેશને આગળ લઇ જવા માટે જોડી રહી છે. પરંતુ આપણે આગળ જઈ રહ્યા છીએ તેવી ખબર ત્યાં સુધી નથી પડતી જ્યાં સુધી આપણે ક્યાંથી નીકળ્યા હતા, તેના પર જો આપણે નજર ના નાખીએ, ક્યાંથી આપણે યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જો તેની બાજુ ન જોઈએ તો ક્યાં ગયા છીએ, કેટલું આગળ વધ્યા છીએ તેનો કદાચ અંદાજ નહીં આવે. અને એટલા માટે 2013માં આપણો દેશ જે ગતિએ ચાલી રહ્યો હતો, જીવનના દરેક ક્ષેત્રમાં 2013ની ગતિ હતી, તે 2013ની ગતિને જો આપણે આધાર માનીને વિચારીએ અને પાછલા 4 વર્ષમાં જે કામ થયું છે, તે કાર્યોના જો લેખા જોખા લઈએ તો તમને આશ્ચર્ય થશે કે દેશની ઝડપ શું છે, ગતિ શું છે, પ્રગતિ કેવી રીતે આગળ વધી રહી છે. શૌચાલયો જ લઇ લઈએ, જો શૌચાલયો બનાવવામાં 2013ની જે ગતિ હતી, તે જ ગતિએ ચાલત તો કદાચ કેટલાય દાયકાઓ વીતી જાત, શૌચાલયોને સો ટકા પુરા કરવામાં.

 

જો આપણે ગામડાઓમાં વીજળી પહોંચાડવાની વાત કરીએ, જો 2013ના આધાર પર વિચારીએ તો ગામડામાં વીજળી પહોંચાડવા માટે કદાચ એક બે દાયકા વધારે લાગી જાત. જો આપણે 2013ની ઝડપથી જોઈએ તો એલપીજી ગેસના જોડાણો ગરીબને, ગરીબ માને ધુમાડાથી મુક્ત બનાવનારો ચૂલો, જો 2013ની ગતિએ ચાલ્યા હોત તો તે કામને પૂરું કરવામાં કદાચ 100 વર્ષ પણ ઓછા પડી જાત, જો 2013ની ગતિએ ચાલ્યા હોત તો. જો આપણે 13ની ગતિએ ઓપ્ટીકલ ફાયબર નેટવર્કનું કામ કરતા રહેતા, તો કદાચ પેઢીઓ નીકળી જાત, તે ગતિએ ઓપ્ટીકલ ફાયબર હિન્દુસ્તાનના ગામડાઓમાં પહોંચાડવા માટે. આ ગતિ, આ ઝડપ, આ પ્રગતિ, આ લક્ષ્ય તેની પ્રાપ્તિ માટે આપણે આગળ વધીશું.

 

ભાઈઓ બહેનો, દેશની અપેક્ષાઓ ઘણી છે, દેશની જરૂરિયાતો ઘણી છે અને તેને પૂર્ણ કરવા માટે, સરકાર હોય, સમાજ હોય, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, બધાએ હળીમળીને પ્રયાસ કરવો એ સતત જરૂરી હોય છે, અને તેનું જ પરિણામ છે આજે દેશમાં કેવું પરિવર્તન આવ્યું છે. દેશ એ જ છે, ધરતી એ જ છે, હવા પણ એ જ છે, આકાશ પણ એ જ છે, સમુદ્ર પણ એ જ છે, સરકારી કચેરીઓ એ જ છે, ફાઈલો એ જ છે, નિર્ણય પ્રકિયા કરવાવાળા લોકો પણ એ જ છે પરંતુ ચાર વર્ષમાં દેશ પરિવર્તનનો અનુભવ કરી રહ્યો છે. એક નવી ચેતના, નવો ઉમંગ, નવો સંકલ્પ, નવી સિદ્ધિ, નવો પુરુષાર્થ તેને આગળ વધારી રહ્યો છે અને ત્યારે જ તો આજે દેશ બમણા ધોરીમાર્ગો બનાવી રહ્યો છે. દેશ ચાર ગણા ગામડાઓમાં ઘરો બનાવી રહ્યો છે. દેશ આજે વિક્રમી અનાજ ઉત્પાદન કરી રહ્યો છે તો દેશ આજે વિક્રમી મોબાઈલ ફોનનું ઉત્પાદન પણ કરી રહ્યો છે. દેશ આજે રેકોર્ડ ટ્રેક્ટરની ખરીદી કરી રહ્યો છે. ગામનો ખેડૂત વિક્રમી ટ્રેક્ટરની ખરીદી કરી રહ્યો છે તો બીજી બાજુ દેશમાં આજે આઝાદી પછી સૌથી વધુ વિમાનો ખરીદવાનું કામ પણ થઈ રહ્યું છે. દેશ આજે શાળાઓમાં શૌચાલયો બનાવવા પર પણ કામ કરી રહ્યો છે તો દેશ આજે નવા આઈઆઈએમ, નવા આઈઆઈટી, નવા એઈમ્સની પણ સ્થાપના કરી રહ્યો છે. દેશ આજે નાના-નાના સ્થળો પર નવા કૌશલ્ય વિકાસના અભિયાનને આગળ વધારીને નવા-નવા કેન્દ્રો ખોલી રહ્યો છે, તો આપણા બીજા તબક્કાના, ત્રીજા તબક્કાના શહેરોમાં સ્ટાર્ટ અપનું એક પૂર આવેલું છે, વસંત ખીલેલી છે.


ભાઈઓ બહેનો, આજે ગામડે-ગામડા સુધી ડીજીટલ ઇન્ડિયાને લઈને આગળ વધી રહ્યા છીએ, તો એક સંવેદનશીલ સરકાર એક તરફ ડીજીટલ હિન્દુસ્તાન બને તેની માટે કામ કરી રહી છે, બીજી તરફ મારા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે તેમની માટે કોમન સાઈન, તેનો શબ્દકોશ બનાવવાનું કામ પણ તેટલી જ લગનની સાથે આજે આપણો દેશ કરી રહ્યો છે. આપણા દેશનો ખેડૂત આ આધુનિકતા, વૈજ્ઞાનિકતા તરફ જવા માટે સુક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ, છંટકાવ તેના પર કામ કરી રહ્યો છે તો બીજી બાજુ 99 જૂના બંધ પડેલ સિંચાઈના મોટા મોટા પ્રોજેક્ટ્સ પણ ચલાવી રહ્યો છે. આપણા દેશની સેના ક્યાંય પણ કુદરતી આપત્તિ હોય, પહોંચી જાય છે. સંકટમાં ઘેરાયેલા માનવીની રક્ષા માટે આપણી સેના કરુણા, માયા, મમતાની સાથે પહોંચી જાય છે, પરંતુ તે જ સેના જ્યારે સંકલ્પ લઈને ચાલી નીકળે છે તો સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનના દાંત ખાટા કરીનેપાછી આવે છે. આ આપણા દેશના વિકાસનું કેનવાસ કેટલું મોટું છે એક છેડો જુઓ, બીજો છેડો જુઓ. દેશ સમગ્ર મોટા કેનવાસ પર આજે નવા ઉમંગ અને નવા ઉત્સાહની સાથે આગળ વધી રહ્યો છે.

 

હું ગુજરાતથી આવ્યો છું. ગુજરાતમાં એક કહેવત છે, નિશાન ચૂક માફ પરંતુ નહી માફ નીચું નિશાન. એટલે કે લક્ષ્ય મોટા હોવા જોઈએ સપના મોટા હોવા જોઈએ. તેની માટે મહેનત કરવી પડે છે, જવાબ આપવો પડે છે પરંતુ જો લક્ષ્ય મોટા નહી હોય, લક્ષ્ય દુરના નહી હોય તો પછી નિર્ણયો પણ નથી થતા હોતા. વિકાસની યાત્રા પણ અટકી જાય છે. અને એટલા માટે મારા વ્હાલા ભાઈઓ બહેનો, આપણા માટે જરૂરી છે કે આપણે મોટા લક્ષ્યો લઈને સંકલ્પની સાથે આગળ વધવાની દિશામાં પ્રયાસ કરીએ. જ્યારે લક્ષ્ય હાલકડોલક હોય છે, જુસ્સો બુલંદ નથી હોતો તો સમાજ જીવનના જરૂરી નિર્ણયો પણ વર્ષો સુધી અટકેલા પડ્યા રહે છે. એમએસપી જોઈ લો, આ દેશના અર્થશાસ્ત્રીઓ માંગણી કરી રહ્યા હતા, ખેડૂત સંગઠન માંગણી કરી રહ્યા હતા, ખેડૂતો માંગણી કરી રહ્યા હતા, રાજનૈતિક દળો માંગણી કરી રહ્યા હતા, કે ખેડૂતોને મૂળ કિંમતનું દોઢ ગણી  એમએસપી મળવી જોઈએ. વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી, ફાઈલો ચાલી રહી હતી, અટકતી હતી, લટકતી હતી, ભટકતી હતી પરંતુ અમે નિર્ણય લીધો. હિંમતની સાથે નિર્ણય લીધો કે મારા દેશના ખેડૂતોને મૂળ કિંમતની દોઢ ગણી એમએસપી આપવામાં આવે.

 

જીએસટી કોણ સહમત નહોતું, બધા જ ઈચ્છતા હતા જીએસટી, પરંતુ નિર્ણય નહોતા લઇ શકતા, નિર્ણય લેવામાં મારો પોતાનો ફાયદો, નુકસાન, રાજનીતિ, ચૂંટણી આ બધી વસ્તુઓનું દબાણ રહેતું હતું. આજે મારા દેશના નાના નાના વેપારીઓની મદદથી તેમના ખુલ્લાપણાથી નવીનતાને સ્વીકારવાના તેમના સ્વભાવને કારણે આજે દેશે જીએસટી લાગુ કરી નાખ્યો છે. વેપારીઓમાં એક નવો વિશ્વાસ ઉત્પન્ન થયો છે, હું દેશના વેપારી સમાજને, નાના મોટા ઉદ્યોગ કરનારા સમાજને જીએસટીની સાથે શરુઆતમાં આવેલ તકલીફો છતાં પણ, તેને ગળે વળગાડી, સ્વીકારકર્યો. દેશ આગળ વધી રહ્યો છે. આજે આપણા દેશના બેન્કિંગ ક્ષેત્રને મજબુત બનાવવા માટે નાદારીનો કાયદો હોય, દેવળિયાપણાનો કાયદો હોય, કોણે રોક્યા હતા પહેલા? તેની માટે તાકાત લાગે છે દમ લાગે છે, વિશ્વાસ લાગે છે અને જનતા જનાર્દન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ લાગે છે ત્યારે જઈને નિર્ણય થાય છે. બેનામી સંપત્તિનો કાયદો કેમ નહોતો લાગુ થતો? જ્યારે જુસ્સો બુલંદ હોય છે,  દેશની માટે કંઇક કરી છૂટવાનો ઈરાદો પણ હોય છે તો બેનામી સંપત્તિના કાયદાઓ પણ લાગુ થાય છે. મારા દેશની સેનાના જવાનો, ત્રણ ત્રણ ચાર ચાર દાયકાઓથી વન રેન્ક વન પેન્શનની માંગણી કરી રહ્યા હતા, કોઈ સાંભળતું નહોતું. તેઓ શિસ્તમાં રહેવાના કારણે આંદોલન પણ નહોતા કરતા પરંતુ અવાજ ઉઠાવી રહ્યા હતા, કોઈ સાંભળતું નહોતું. કોઈકે તો નિર્ણય કરવાનો જ હતો ને, તમે અમને તે નિર્ણયની જવાબદારી આપી, અમે તેને પૂરી કરી.

 

મારા વ્હાલા ભાઈઓ બહેનો, અમે સખત નિર્ણયો લેવાનું સામર્થ્ય ધરાવીએ છે કારણ કે દેશ હિત અમારા માટે સર્વોપરી છે. દળહિત માટે કામ કરનારા લોકો અમે નથી અને તેના કારણે અમે સંકલ્પ લઈને નીકળી પડીએ છીએ.

 

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, આપણે એ કઈ રીતે ભૂલી શકીએ છીએ કે આજે વૈશ્વિક અર્થવ્યવસ્થાના આ કાળખંડમાં સમગ્ર દુનિયા ભારતની દરેક વાતને જોઈ રહી છે, આશા અપેક્ષા સાથે જોઈ રહી છે. એટલા માટે ભારતની નાની-નાની બાબતોને, મોટી વસ્તુઓને પણ વિશ્વ ઘણી ઊંડાઈની સાથે જુએ છે. તમે યાદ કરો કે 2014ની પહેલા દુનિયાની નામાંકિત સંસ્થાઓ, દુનિયાના ગણમાન્ય અર્થશાસ્ત્રી, દુનિયામાં જેમની વાતને અધિકૃત માનવામાં આવે છે એવા લોકો ક્યારેક આપણા દેશની માટે શું કહેતા હતા. તે પણ એક જમાનો હતો જ્યારે દુનિયામાંથી અવાજ ઉઠતો હતો, વિદ્વાનોમાંથી અવાજ ઉઠતો હતો કે હિન્દુસ્તાનનું અર્થતંત્ર જોખમ ભર્યું છે. તેમને જોખમ દેખાતું હતું. પરંતુ આજે એ જ લોકો, એ જ સંસ્થાઓ, એ જ લોકો ખૂબ વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે સુધારા મૂળભૂત મજબૂતી આપી રહ્યા છે. કેવું પરિવર્તન આવ્યું છે? એક સમય હતો ઘરમાં હોવ, કે ઘરની બહાર દુનિયા એક વાત જ કહેતી હતી રેડ ટેપ (અમદારશાહી)ની વાત કરતી હતી પરંતુ આજે રેડ કાર્પેટ (લાલ જાજમ)ની વાત થઇ રહી છે. વેપાર-વાણિજ્યની સરળતામાં હવે આપણે મોખરાના એકસોમાં પહોંચી ગયા છીએ. આજે સંપૂર્ણ વિશ્વ તેને ગર્વથી જોઇ રહ્યું છે. એક એવો પણ દિવસ હતો કે જ્યારે વિશ્વ માનીને બેઠું હતું કે ભારત એટલે પોલીસી પેરાલિસીસ, ભારત એટલે વિલંબિત સુધારાઓ એવી વાતો આપણે સાંભળતા હતા. આજે પણ છાપાઓ કાઢીને જોશો તો જોવા મળશે. પરંતુ આજે દુનિયામાંથી એક જ વાત આવી રહી છે કે રીફોર્મ (સુધારા), પરફોર્મ (કામગીરી), ટ્રાન્સફોર્મ (પરિવર્તન), એક પછી એક નીતિ વિષયક સમયબદ્ધ નિર્ણયોનો સિલસિલો ચાલી રહ્યો છે. તે પણ એક સમય હતો, જ્યારે વિશ્વ ભારતને ફ્રેજાઈલ ફાઈવ (સૈથી નબળા પાંચ રાષ્ટ્ર)માં ગણતું હતું. દુનિયા ચિંતિત હતી કે દુનિયાને ડૂબાડવામાં ભારત પણ પોતાની ભૂમિકા અદા કરી રહ્યું છે. ફ્રેજાઈલ ફાઈવમાં આપણી ગણતરી થઇ રહી હતી. પરંતુ આજે દુનિયા કહી રહી છે કે ભારત મલ્ટી ટ્રિલિયન ડોલરના રોકાણનું ગંતવ્ય સ્થાન બની ગયું છે. ત્યાંથી જ અવાજ બદલાઈ ગયો છે.

 

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, દુનિયા ભારતની સાથે જોડાવાની ચર્ચા કરતી વખતે, આપણા માળખાગત બાંધકામની ચર્ચા કરતી વખતે, ક્યારેક વીજળી જવાથી બ્લેકઆઉટ થઇ ગયો, તે દિવસોને યાદ કરતી હતી, ક્યારેક બોટલનેકની ચર્ચા કરતી હતી. પરંતુ તે જ દુનિયા, તે જ લોકો, તે જ દુનિયાને માર્ગદર્શન કરાવનારા લોકો અત્યારના દિવસોમાં કહી રહ્યા છે કે સૂતેલો હાથી હવે જાગી ગયો છે, ચાલી નીકળ્યો છે. સુતેલા હાથીએ પોતાની દોડ શરુ કરી દીધી છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કહી રહી છે કે આવનારા ત્રણ દસકા સુધી, એટલે કે 30 વર્ષ સુધી, વિશ્વની અર્થવ્યવસ્થાની તાકાતને ભારત ગતિ આપવાની છે. ભારત વિશ્વના વિકાસનું એક નવું સ્રોત બનવાનું છે. એવો વિશ્વાસ આજે ભારતને માટે ઉત્પન્ન થયેલો છે.

આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની શાખ વધી છે, નીતિ નિર્ધારિત કરનારા નાના મોટા જે-જે સંગઠનોમાં આજે હિન્દુસ્તાનને જગ્યા મળી છે ત્યાં હિન્દુસ્તાનની વાતને આજે સાંભળવામાં આવી રહી છે. હિન્દુસ્તાન તેમાં દિશા આપવામાં, નેતૃત્વ કરવામાં પોતાની ભૂમિકા અદા કરી રહ્યું છે. દુનિયાના મંચો પર આપણે આપણા અવાજને બુલંદ કર્યો છે.

 

મારા વ્હાલા દેશવાસીઓ, અનેક વર્ષોથી જે સંસ્થાઓમાં આપણે સભ્યતા મેળવવાની રાહ જોઈ રહ્યા હતા, આજે વિશ્વની અગણિત સંસ્થાઓમાં આપણને સ્થાન મળ્યું છે. આજે પર્યાવરણની ચિંતા કરવાવાળાઓ માટે, જળવાયુ પરિવર્તનની સમસ્યાની ચર્ચા કરનારા લોકોને માટે ભારત એક આશાનું કિરણ બન્યું છે. આજે ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સમગ્ર વિશ્વની આગેવાની કરી રહ્યું છે. આજે કોઈપણ હિન્દુસ્તાની, દુનિયામાં ક્યાંય પણ પગ મુકે છે તો વિશ્વનો દરેક દેશ તેનું સ્વાગત કરવા માટે લાલાયિત રહે છે. તેની આંખોમાં એક ચેતના આવી જાય છે હિન્દુસ્તાનીને જોઈને. ભારતના પાસપોર્ટની તાકાત વધી ગઈ છે. તેણે દરેક ભારતીયમાં આત્મવિશ્વાસથી, એક નવી ઊર્જા, નવા ઉમંગ લઈને આગળ વધવાનો સંકલ્પ ઉત્પન્ન કર્યો છે.

 

મારા વ્હાલા દેશવાસીઓ, વિશ્વમાં ક્યાંય પણ જો મારો હિન્દુસ્તાની સંકટમાં હોય, તો આજે તેને ભરોસો છે કે મારો દેશ મારી પાછળ ઉભો રહેશે, મારો દેશ સંકટના સમયમાં મારી સાથે આવી જશે. અને ઈતિહાસ સાક્ષી છે કે છેલ્લા કેટલાક દિવસોની અનેક ઘટનાઓ જેના કારણ આપણે-તમે જોઈ રહ્યા છીએ.

 

મારા વ્હાલા દેશવાસીઓ, વિશ્વમાં પણ ભારતની તરફ જોવાની દ્રષ્ટિ જે રીતે બદલાઈ છે તે જ રીતે હિન્દુસ્તાનમાં પૂર્વોત્તર વિશે જ્યારે ક્યારેય પણ ચર્ચા થતી હતી તો કેવા સમાચારો આવતા હતા, એવા સમાચારો, લાગતું હતું કે સારું થાય જો આવા સમાચારો ન આવે. પરંતુ આજે મારા વ્હાલા ભાઈઓ બહેનો, પૂર્વોત્તર એક પ્રકારે તેવી ખબરોને લઈને આવી રહ્યું છે જે દેશને પણ પ્રેરણા આપી રહી છે. આજે રમત-ગમતના મેદાનમાં જુઓ આપણા પૂર્વોત્તરની ચમક જોવા મળી રહી છે.

 

મારા વ્હાલા ભાઈઓ બહેનો, આજે પૂર્વોત્તરની ખબર આવી રહી છે કે છેલ્લા ગામડામાં વીજળી પહોંચી ગઈ છે અને આખી રાત ગામડું નાચતું રહ્યું. આજે પૂર્વોત્તરમાં ધોરીમાર્ગો, રેલવે, હવાઈ માર્ગો, જળ માર્ગો અને માહિતી માર્ગો (આઈ વે) તેના સમાચારો આવી રહ્યા છે. આજે વીજળીની ટ્રાન્સમિશન લાઈનો લગાવવાનું કામ ખૂબ ઝડપી ગતિએ પૂર્વોત્તરમાં ચાલી રહ્યું છે. આજે આપણા પૂર્વોત્તરના નવયુવાનો ત્યાં બીપીઓ ખોલી રહ્યા છે. આજે આપણા શિક્ષણ સંસ્થાનો નવા બની રહ્યા છે, આજે આપણું પૂર્વોત્તર ઓર્ગેનિક ખેતીનું કેન્દ્ર બની રહ્યું છે. આજે આપણું પૂર્વોત્તર સ્પોર્ટ્સ યુનિવર્સિટીની યજમાની કરી રહ્યું છે.

 

ભાઈઓ બહેનો, એક સમય હતો જ્યારે પૂર્વોત્તરને લાગતું હતું કે દિલ્હી ખૂબ દુર છે. અમે ચાર વર્ષની અંદર-અંદર દિલ્હીને પૂર્વોત્તરના દરવાજા પર લાવીને ઉભું કરી દીધુ છે.

 

ભાઈઓ બહેનો, આજે આપણા દેશમાં 65 ટકા જન સંખ્યા 35 વર્ષની ઉંમરની છે. આપણે દેશના યુવાનો માટે ગર્વ કરી રહ્યા છીએ. દેશના નવયુવક નવી પેઢીનો ગર્વ અનુભવી રહ્યા છીએ. આપણા દેશના યુવાનોએ આજે અર્થના બધા જ માપદંડોને બદલી નાખ્યા છે. પ્રગતિના તમામ માપદંડોમાં એક નવો રંગ ભરી દીધો છે. ક્યારેક મોટા શહેરોની ચર્ચા થયા કરતી હતી. આજે આપણો દેશ બીજા તબક્કાના, ત્રીજા તબક્કાના શહેરની વાત કરી રહ્યો છે. ક્યારેક ગામની અંદર જઈને આધુનિક ખેતીમાં લાગેલા નવયુવાનોની ચર્ચા કરી રહ્યો છે. આપણા દેશના નવયુવાનોએ નોકરીની પ્રકૃતિને સંપૂર્ણ રીતે બદલી નાખી છે. સ્ટાર્ટ અપ હોય, બીપીઓ હોય, ઈ-કોમર્સ હોય, મોબિલિટીનું ક્ષેત્ર હોય એવા નવા ક્ષેત્રોને આજે મારા દેશનો નવયુવાન પોતાની છાતી પર બાંધીને નવી ઊંચાઈઓ પર દેશને આગળ લઇ જવા માટે કાર્યરત છે.

 

મારા વ્હાલા ભાઈઓ બહેનો, 13 કરોડ મુદ્રા લોન, બહુ મોટી વાત હોય છે. 13 કરોડ અને તેમાં પણ 4 કરોડ તેવા લોકો છે જે નવયુવાન છે, જેમણે જીંદગીમાં પહેલીવાર ક્યાંયથી લોન લીધી છે અને પોતાના પગ પર ઉભા થઈને સ્વરોજગાર પર આગળ વધી રહ્યા છે. તે પોતાનામાં જ બદલાયેલા વાતાવરણનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. આજે હિન્દુસ્તાનના ગામડાઓમાં, ડિજિટલ ઇન્ડિયાના સપનાઓને આગળ લઇ જવા માટે, હિન્દુસ્તાનના અડધાથી વધુ ત્રણ લાખ ગામડાઓમાં કોમન સર્વિસ સેન્ટર મારા દેશના યુવાન દીકરા-દીકરીઓ ચલાવી રહ્યા છે. તેઓ દરેક ગામને, દરેક નાગરિકને, ક્ષણ વારમાં જ વિશ્વની સાથે જોડવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે.

 

મારા ભાઈઓ બહેનો, આજે મારા દેશમાં માળખાગત બાંધકામે એક નવું સ્વરૂપ લઇ લીધું છે. રેલની ગતિ હોય, રોડની ગતિ હોય, આઈ-વે હોય, હાઈવે હોય, નવા વિમાન મથકો હોય, એક રીતે આપણો દેશ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.

 

મારા ભાઈઓ બહેનો, આપણા દેશના વૈજ્ઞાનિકોએ પણ દેશના નામને રોશન કરવામાં કોઈ ખામી નથી રાખી. વિશ્વના સંદર્ભમાં હોય અને ભારતની જરૂરિયાતના સંદર્ભમાં હોય, કયો હિન્દુસ્તાની ગર્વ નહીં કરે જ્યારે દેશના વૈજ્ઞાનિકોએ એક સાથે 100થી પણ વધુ ઉપગ્રહોનું અવકાશમાં પ્રક્ષેપણ કરીને દુનિયાને ચકિત કરી નાખી હતી. આ સામર્થ્ય આપણા વૈજ્ઞાનિકોનું છે. આપણા વૈજ્ઞાનિકોનો પુરુષાર્થ હતો મંગળયાનની સફળતા પહેલા જ પ્રયાસમાં. મંગળયાને મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો, ત્યાં સુધી પહોંચ્યા, તે આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિ હતી. આવનારા કેટલાક જ દિવસોમાં આપણે આપણા વૈજ્ઞાનિકોના આધાર, કલ્પના અને વિચારક્ષમતાના જોર પર નાવિકને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. દેશના માછીમારોને, દેશના સામાન્ય નાગરિકોને નાવિક દ્વારા દિશા દર્શનનું ઘણું મોટુ કામ આવનારા કેટલાક  દિવસોમાં આપણે કરીશું.

 

મારા વ્હાલા દેશવાસીઓ આજે આ લાલ કિલ્લાની પ્રાચીરથી હું દેશવાસીઓને એક ખુશ ખબર સંભળાવવા માગું છું. આપણો દેશ અંતરીક્ષની દુનિયામાં પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ આપણે સપનું જોયું છે, આપણા વૈજ્ઞાનિકોએ સપનું જોયું છે. આપણા દેશે સંકલ્પ કર્યો છે કે 2022 જ્યારે આઝાદીના 75 વર્ષ થશે ત્યારે અથવા જો થઇ શકે તો તેના પહેલા, આઝાદીના 75 વર્ષ ઉજવીશું ત્યારે, મા ભારતીની કોઈપણ સંતાન પછી તે દીકરી હોય કે દીકરો કોઈ પણ હોઈ શકે છે. તે અંતરીક્ષમાં જશે. હાથમાં તિરંગો ઝંડો લઈને જશે. આઝાદીના 75 વર્ષની પહેલા આ સપનાને પૂર્ણ કરવાનું છે. મંગળયાનથી લઈને ભારતના વૈજ્ઞાનિકોએ જે પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે. હવે આપણે માનવ સહિત ગગનયાન લઈને ચાલીશું અને આ ગગનયાન જ્યારે અંતરિક્ષમાં જશે તો કોઈ હિન્દુસ્તાની લઈને જશે. આ કામ હિન્દુસ્તાનના વૈજ્ઞાનિકો દ્વારા થશે. હિન્દુસ્તાનના પુરષાર્થ દ્બારા પૂરું થશે, ત્યારે આપણે વિશ્વનો ચોથો એવો દેશ બની જઈશું જે માણસને અંતરિક્ષમાં પહોંચાડનારો હશે.

 

ભાઈઓ બહેનો હું દેશના વૈજ્ઞાનિકોને, દેશના ટેકનિશિયનોને હું હૃદયથી ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આ મહાન કામને માટે. ભાઈઓ-બહેનો આપણો દેશ આજે અન્નના ભંડારથી ભરેલો છે. વિશાળ અન્ન ઉત્પાદન માટે હું દેશના ખેડૂતોને, ખેતી કામના મજુરોને, કૃષિ ક્ષેત્રમાં કામ કરનારા વૈજ્ઞાનિકોને, દેશમાં કૃષિ ક્રાંતિને સફળતાપૂર્વક આગળ વધારવા માટે હૃદયથી ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

 

પરંતુ ભાઈઓ બહેનો હવે સમય બદલાઈ ગયો છે, આપણા ખેડૂતોએ પણ, આપણા કૃષિ બજારોએ પણ વૈશ્વિક પડકારોનો સામનો કરવાનો હોય છે, વૈશ્વિક બજારનો સામનો કરવાનો હોય છે. જનસંખ્યામાં વૃદ્ધિ થતી હોય, જમીન ઓછી થતી જતી હોય, ત્યારે આપણી કૃષિને આધુનિક બનાવવી, વૈજ્ઞાનિક બનાવવી, ટેકનોલોજીના આધાર પર આગળ લઇ જવી; તે સમયની માગ છે. અને એટલા માટે આજે અમારું સંપૂર્ણ ધ્યાન કૃષિ ક્ષેત્રમાં આધુનિકતા લાવવા માટે, બદલાવ લાવવા માટે ચાલી રહ્યું છે.

 

અમે સપનું જોયું છે ખેડૂતોની આવક બમણી કરવાનું. આઝાદીના 75 વર્ષ થાય, ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું જોયું છે. જેમને તેની પર શંકાઓ થતી હોય - જે સ્વાભાવિક છે. પરંતુ અમે લક્ષ્ય લઈને ચાલી નીકળ્યા છીએ. અને અમે માખણ પર રેખા દોરનારાઓમાંના નથી, અમે પથ્થર પર રેખા અંકિત કરવાનો સ્વભાવ ધરાવીએ છીએ. માખણ પર રેખા તો કોઈ પણ કરી લે. અરે પથ્થર પર રેખા દોરવા માટે પરસેવો વહાવવો પડે છે, યોજનાઓ બનાવવી પડે છે, તન-મનથી લાગી જવું પડે છે. એટલા માટે જ્યારે આઝાદીના 75 વર્ષ થશે, ત્યાં સુધીમાં દેશના ખેડૂતોને સાથે લઈને કૃષિમાં આધુનિકતા લાવીને કૃષિના ફલકને વિસ્તૃત કરી-કરીને અમે આજે ચાલવા માંગીએ છીએ. બીજથી લઈને બજાર સુધી મુલ્ય વૃદ્ધિ કરવા માગીએ છીએ. અમે આધુનિકીકરણ કરવા માગીએ છીએ અને અનેક નવા પાકો પણ હવે વિક્રમી ઉત્પાદન કરીને આગળ વધી રહ્યા છે. પહેલીવાર આપણે દેશમાં કૃષિ નિકાસ નીતિની દિશામાં આગળ વધી રહ્યા છીએ જેથી કરીને આપણા દેશનો ખેડૂત પણ વૈશ્વિક બજારમાં તાકાતની સાથે ઉભો રહી શકે.

 

આજે નવી કૃષિ ક્રાંતિ, ઓર્ગેનિક ખેતી, વાદળી ક્રાંતિ, મધુર ક્રાંતિ, સૌર કૃષિ, આ બધા નવા ક્ષેત્રો ખુલી ગયા છે. તેને લઈને અમે આગળ વધી રહ્યા છીએ.

 

અમારા માટે ખુશીની વાત છે કે આજે આપણો દેશ દુનિયામાં માછલી ઉત્પાદનમાં બીજા નંબરનો સૌથી આગળનો દેશ બની ગયો છે અને જોત જોતામાં જ તે પહેલા નંબર પર પણ પહોંચવાનો છે. આજે હની એટલે કે મધની નિકાસ બમણી થઇ ગઈ છે. આજે શેરડીના ખેડૂતોને માટે ખુશીની વાત છે કે આપણા ઇથેનોલનું ઉત્પાદન ત્રણ ગણું થઇ ગયું છે. એટલે કે એક રીતે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં જેટલું કૃષિનું મહત્વ છે, તેટલું જ અન્ય કારોબારનું છે અને એટલા માટે અમે મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા અરબો-ખરબો રૂપિયાના માધ્યમથી ગામડાના જે સંસાધનો છે, ગામનું જે સામર્થ્ય છે, તેને પણ અમે આગળ વધારવા માગીએ છીએ અને તે દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

 

ખાદી-પૂજ્ય બાપુનું નામ તેની સાથે જોડાયેલું છે. આઝાદીથી લઈને અત્યાર સુધી જેટલી ખાદી વેચવાની પરંપરા હતી, હું આજે નમ્રતાથી કહેવા માગું છું, ખાદીનું વેચાણ પહેલા કરતા બમણું થઇ ગયું છે. ગરીબ લોકોના હાથમાં રોજી રોટી પહોંચી છે.

 

મારા ભાઈઓ બહેનો, મારા દેશનો ખેડૂત હવે સૌર કૃષિ તરફ જોર આપી રહ્યો છે. ખેતી સિવાય કોઈ અન્ય સમયમાં તે સૌર ફાર્મિંગ વડે પણ વીજળી વેચીને કમાણી કરી શકે છે. આપણા હાથસાળ ચલાવનાર વ્યક્તિ, આપણા હેન્ડલુમની દુનિયાના લોકો; તેઓ પણ રોજી રોટી કમાવા લાગ્યા છે.

 

મારા વ્હાલા ભાઈઓ બહેનો, આપણા દેશમાં આર્થિક વિકાસ હોય, આર્થિક સમૃદ્ધિ હોય પરંતુ તે બધા પછી પણ માનવની ગરિમા હોય તે સર્વોચ્ચ હોય છે. માનવની ગરિમા વિના દેશ સંતુલિત રૂપે ન તો જીવી શકે છે અને ન ચાલી શકે છે અને ન તો આગળ વધી શકે છે. એટલા માટે વ્યક્તિની ગરિમા, વ્યક્તિનું સન્માન, આપણે તે યોજનાઓને લઈને આગળ વધવા માંગીએ છીએ કે જેથી કરીને તેઓ સન્માન સહિત જિંદગી જીવી શકે, ગર્વથી જિંદગી જીવી શકે. નીતિઓ એવી હોય, રીતીઓ એવી હોય, નિયત એવી હોય કે જેના કારણે સામાન્ય માનવી, ગરીબમાં ગરીબ માણસ પણ, દરેકને પોતાની બરોબરી સાથે જીવવાનો અવસર જોતો હોય છે.

 

અને એટલા માટે ઉજ્જવલા યોજનામાં અમે ગરીબના ઘરમાં ગેસ પહોંચાડવાનું કામ કર્યું છે. સૌભાગ્ય યોજનામાં ગરીબના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે. શ્રમેવ જયતેને બળ આપીને અમે આગળ વધવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.

 

ગઈકાલે જ આપણે મહામહિમ રાષ્ટ્રપતિજીનું ઉદબોધન સાંભળ્યું. તેમણે ખૂબ જ વિસ્તારપૂર્વક ગ્રામ સ્વરાજ અભિયાનનું વર્ણન કર્યું. જ્યારે પણ સરકારની વાતો આવે છે તો કહેવાય છે કે નીતિઓ તો બનતી રહે છે પરંતુ છેલ્લા તબક્કા સુધી પહોંચતી નથી હોતી. કાલે રાષ્ટ્રપતિજીએ ખૂબ સારી રીતે વર્ણન કર્યું કે કઈ રીતે આકાંક્ષી જિલ્લાઓમાં 65 હજાર ગામડાઓમાં દિલ્હીથી શરુ થયેલી યોજનાઓને ગરીબના ઘર સુધી, પછાત ગામ સુધી કેવી રીતે પહોંચાડવામાં આવી છે, તેનું કામ કર્યું છે.

 

પ્રિય દેશવાસીઓ,વર્ષ 2014માં આ જ લાલ કિલ્લાની દિવાલ પરથી જ્યારે મેં સ્વચ્છતાની વાત કરી હતી, ત્યારે કેટલાંક લોકોએ એની હાંસી ઉડાવી હતી, મજાક કરી હતી. કેટલાંક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે, સરકાર પાસે કરવા જેવા ઘણા કામ છે, ત્યારે સ્વચ્છતા જેવા મુદ્દામાં પોતાની શક્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ. પણ ભાઈઓ અને બહેનો, થોડાં દિવસ અગાઉ WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને આ રિપોર્ટમાંWHOએ જણાવ્યું છે કે, ભારતમાં સ્વચ્છતા અભિયાનને કારણે 3 લાખ બાળકોનો જીવ બચ્યો છે. એવો કયો હિંદુસ્તાની હશે, જેને સ્વચ્છતા અભિયાનમાં સામેલ થઈને આ 3 લાખ બાળકોનું જીવન બચાવવાની પવિત્ર તક નહીં મળી હોય. ગરીબનાં 3 લાખ બાળકોનું જીવન બચાવવા એ માનવતાનું મોટું કામ છે. દુનિયાભરની સંસ્થાઓએ એની પ્રશંસા કરી રહી છે.

 

ભાઈઓ અને બહેનો,આગામી વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનું વર્ષ છે. પૂજ્ય બાપૂએ પોતાનાં જીવનમાં આઝાદી કરતાં વધારે મહત્ત્વ સ્વચ્છતાને આપ્યું હતું. તેઓ કહેતાં હતાં કે, આઝાદી મળી સત્યાગ્રહીઓથી, સ્વચ્છતા મળશે સ્વચ્છાગ્રહીઓથી. ગાંધીજીએ સત્યાગ્રહી તૈયાર કર્યા હતાં અને ગાંધીજીની પ્રેરણાએ જ સ્વચ્છાગ્રહીઓ તૈયાર કર્યા છે. જ્યારે આપણે એમની 150મી જન્મજયંતિની ઉજવણી કરીશું, ત્યારે આ દેશ પૂજ્ય બાપૂને સ્વચ્છ ભારત સ્વરૂપે, આ આપણાં કરોડો સ્વચ્છાગ્રહી, પૂજ્ય બાપૂને કાર્યાંજલિ સમર્પિત કરશે. આ એક રીતે જે સ્વપ્નોને લઈને આપણે ચાલ્યાં છીએ, એ સ્વપ્નોને સાકાર કરવા સમાન હશે. એક રીતે પૂજ્ય બાપૂનું સ્વપ્ન સાકાર થશે.

 

મારા ભાઈઓ અને બહેનો,સ્વચ્છતા અભિયાને 3 લાખ લોકોનું જીવન બચાવ્યું છે એ વાત સાચી. પણ મધ્યમ વર્ગનો પરિવાર ગમે તેટલો સુખીસંપન્ન હોય, સારી આવક ધરાવતો હોય, પણ એક વાર બિમારી કે રોગ ઘર કરી જાય તો મધ્યમ વર્ગની એક વ્યક્તિ નહીં, આખું પરિવાર બિમાર પડી જાય છે. એની પછીની પેઢીઓ ગરીબી અને બિમારીનાં વિષચક્રમાં ફસાઈ જાય છે.

 

દેશનાં અતિ ગરીબ વ્યક્તિને, સામાન્ય નાગરિકને આરોગ્યની સુવિધા મળે, એટલે ગંભીર બિમારીઓ માટે અને મોટી હોસ્પિટલોમાં સામાન્ય માણસને પણ આરોગ્યની સુવિધા મળે અને એ પણ મફત મળે તે માટે ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન અંતર્ગત આયુષ્માન ભારત યોજના હેઠળ આગામી દિવસોમાં આ દેશનાં 10 કરોડ કુટુંબોને નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગને પણ એનો લાભ મળશે. અને આ તો શરૂઆત જ છે. 10 કરોડ પરિવારો એટલે કે લગભગ 50 કરોડ નાગરિકો અને દરેક પરિવારને વર્ષે રૂ. 5 લાખનો સ્વાસ્થ્ય વીમાકવચ આપવાની યોજના છે. આ યોજના અમે દેશને અર્પણ કરવાનાં છીએ. આ technology driven (ટેકનોલોજીથી સંચાલિત) વ્યવસ્થા છે, એમાં transparency (પારદર્શકતા) પર ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિને આ તક મેળવવામાં મુશ્કેલી ન પડે, અવરોધનો સામનો ન કરવો પડે, એમાં technology intervention (ટેકનોલોજીનો ઉપયોગ) બહુ મહત્ત્વપૂર્ણ છે. જેના માટે technologyનાં સાધનો બન્યા છે.

 

15 ઓગસ્ટથી આગામી 4-5-6 અઠવાડિયામાં દેશનાં અલગ-અલગ ખૂણામાં આ ટેકનોલોજીનું પરીક્ષણ શરૂ થવાનું છે અને તેને ક્ષતિવિહોણું બનાવવાની દિશામાં આ પ્રયાસ ચાલી રહ્યો છે. પછી આ યોજના આગળ વધારવા માટે 25 સપ્ટેમ્બરનાં રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર આખા દેશમાં આ પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન શરૂ કરવામાં આવશે. તેનાં પરિણામે દેશનાં ગરીબ વ્યક્તિને હવે બિમારીનાં સંકટ સામે ઝઝૂમવું નહીં પડે. તેને શાહૂકાર પાસેથી વ્યાજે રૂપિયા નહીં લેવા પડે. એનું કુટુંબ બરબાદ નહીં થાય. દેશમાં પણ મધ્યમવર્ગનાં પરિવારો માટે, નવયુવાનો માટે આરોગ્યનાં ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે. ટીઅર 2 ટીઅર 3 શહેરોમાં નવી હોસ્પિટલ બનશે. તેનાં કારણે બહુ મોટી સંખ્યામાં રોજગારીની તકો પણ પેદા થશે.

 

ભાઈઓ અને બહેનો,કોઈ પણ ગરીબ માણસને ગરીબીમાં જીવવું પસંદ નથી. કોઈ પણ ગરીબ વ્યક્તિ ગરીબીમાં મરણ થાય એવું ઇચ્છતી નથી. કોઈ પણ ગરીબ નાગરિક પોતાનાં બાળકોને વારસામાં ગરીબી આપીને જવા ઇચ્છતો નથી. તે તરફડીયા મારતો હોય છે આખી જિંદગી ગરીબીમાંથી બહાર નીકળવા માટે અને આ સંકટમાંથી બહાર આવવા માટે ગરીબને સશક્ત કરવા, આ જ ઉપાય છે, આ જ ઉપચાર છે.

 

અમે છેલ્લાં ચાર વર્ષમાં ગરીબને સશક્ત બનાવવાની દિશા પર ભાર મૂક્યો છે. અમારો પ્રયાસ ગરીબ સશક્ત થાય એવો રહ્યો છે અને તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ એક બહુ સારો રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમણે કહ્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં ભારતમાં પાંચ કરોડ ગરીબ, ગરીબીની રેખામાંથી બહાર નીકળી ગયા છે.

 

ભાઈઓ અને બહેનો,જ્યારે ગરીબોનું ઉત્થાન કરવાનું કામ કરીએ છીએ અને જ્યારે હું આયુષ્માન ભારતની વાત કરતો હતો, ત્યારે 10 કરોડ પરિવાર એટલે કે 50 કરોડની વસતિને ધ્યાનમાં રાખતો હતો. આ યોજના કેટલી મોટી છે અને એનો લાભ કેટલી મોટી જનસંખ્યાને મળવાનો છે એનો અંદાજ બહુ ઓછા લોકોને હશે. મારે તમને કહેવું છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોની વસતિનો સરવાળો કરો, એટલાં લાભાર્થી આયુષ્માન ભારત યોજનાનાં છે. જો તમે યુરોપ ખંડનાં દેશોની વસતિનો સરવાળો કરો, તો એટલી જનસંખ્યા ભારતમાં આ આયુષ્માન ભારતનાં લાભાર્થીની હશે.

 

ભાઈઓ અને બહેનો,ગરીબોનાં ઉત્થાન માટે અમે અનેક યોજનાઓ બનાવી છે. યોજનાઓ તો અગાઉ પણ બનતી હતી અને અત્યારે પણ બને છે. પણ વચેટિયા, કટકી કંપની તેમાંથી મલાઈ ઉતારી લે છે. ગરીબને તેનો અધિકાર જ મળતો નથી. ખજાનામાંથી રૂપિયા જાય છે, યોજનાઓ કાગળ પર જોવા મળે છે, દેશ લૂંટાતો જાય છે. સરકાર આંખો બંધ કરીને બેસી ન શકે અને મારું તો આ કામ જ નથી.

 

એટલે મારા ભાઈઓ અને બહેનો,આપણી વ્યવસ્થામાં આવેલી વિકૃતિઓ દૂર કરીને દેશનાં સામાન્ય નાગરિકનાં મનમાં વિશ્વાસ પેદા કરવો બહુ જરૂરી છે. અને આ જવાબદારી રાજ્ય સરકારની છે, કેન્દ્ર સરકારની છે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની છે, આપણે બધાએ મળીને આ જવાબદારી અદા કરવાની છે. આપણે એને આગળ વધારવી પડશે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે અમે આ સફાઈ અભિયાનમાં લાગ્યા છીએ, ત્યારે લિકેજ બંધ કરવામાં લાગ્યા છીએ, કોઈ ઉજ્જવલા યોજનાનાં લાભાર્થી હતાં, ગેસ કનેક્શનનાં લાભાર્થી હતાં, કોઈ ડુપ્લીકેટ ગેસ જોડાણ ધરાવતાં હતાં, કોઈ રાશન કાર્ડનાં લાભાર્થી હતાં, કોઈ શિષ્યવૃત્તિનાં લાભાર્થી હતાં, કોઈ પેન્શનનાં લાભાર્થી હતાં. લાભ મળતાં હતાં, પણ 6 કરોડ લોકો એવા હતાં, જે ક્યારેય પેદા જ થયાં નહોતાં, જેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું, પણ તેમનાં નામે પૈસા જઈ રહ્યાં હતાં. આ 6 કરોડ નામોને દૂર કરવા બહુ મુશ્કેલ કામ હતું, કેટલાંક લોકોને મુશ્કેલી પડી હશે. જે માણસ પેદા જ નથી થયો, જે મનુષ્ય ધરતી પર જ નથી. આવા જ બનાવટી નામ લખીને રૂપિયા પડાવી લેવાતા હતાં.

 

આ સરકારે આવીને એમનાં નામ કમી કરી દીધા છે. ભ્રષ્ટાચાર, કાળું નાણું, આ તમામ ધંધા અટકાવવાની દિશામાં અમે પગલાં લીધા છે.

 

ભાઈઓ અને બહેનો,તેનું પરિણામ શું આવ્યું ? લગભગ 90,000 કરોડ રૂપિયા, આ નાની રકમ નથી. 90,000 કરોડ રૂપિયા જે ખોટા લોકોના હાથમાં ખોટી રીતે જતાહતા, ખોટા કારનામા ચાલતા હતા તેઓ આજે દેશની તિજોરીમાં બચી રહ્યાં છે, જે દેશનાં સામાન્ય મનુષ્યની ભલાઈ માટે કામ આવે છે.

 

ભાઈઓ અને બહેનો,આવું કેમ થાય છે? આ દેશ ગરીબની ગરિમા જાળવવા માટે કામ કરનારો દેશ છે. આપણા દેશનો ગરીબ સન્માન સાથે જીવે એ માટે આપણે કામ કરવાનું છે. પણ આ વચેટિયા શું કરતા હતા? તમને ખબર હશે કે બજારમાં ઘઉંની કિંમત 24-25 રૂપિયા છે, જ્યારે રાશન કાર્ડ પર સરકાર એ ઘઉં 24-25 રૂપિયામાં ખરીદીને ફક્ત બે રૂપિયામાં ગરીબ સુધી પહોંચાડે છે. બજારમાં ચોખાની કિંમત રૂ. 30થી રૂ. 32 છે, પણ ગરીબને ચોખા મળે એ માટે સરકાર 30-32 રૂપિયામાં એની ખરીદી કરીને 3 રૂપિયામાં રેશન કાર્ડ ધરાવતાં ગરીબ સુધી પહોંચાડે છે. મારો કહેવાનો અર્થ એ છે કે તમે બનાવટી નામે એક કિલો ઘઉંની ચોરી કરી લો, તો તેમાંથી તમને રૂ.20થી રૂ. 25 વિના પ્રયાસે મળી જાય છે. એક કિલો ચોખા ઉઠાવી તો રૂ. 30થી રૂ. 35 મળી જાય છે અને એટલે જ આ બનાવટી નામોથી વેપાર ચાલતો હતો. જ્યારે ગરીબ રેશનકાર્ડની દુકાને જતો હતો, ત્યારે તેને અનાજ પૂરું થઈ ગયું છે એવું કહેવામાં આવતું. અનાજ ત્યાંથી નીકળીને બીજી દુકાન પર જતું રહેતું હતું અને એ 2 રૂપિયામાં મળતુ અનાજ મારા ગરીબને 20 રૂપિયા, 25 રૂપિયામાં ખરીદવાની ફરજ પડતી હતી. એનો અધિકાર છીનવાઈ જતો હતો, ભાઈઓ અને બહેનો. આ માટે અમે આ બનાવટી નામોનો ધંધો જ બંધ કરી દીધો છે અને એને અટકાવી દીધો છે.

 

ભાઈઓ અને બહેનો,આપણાં દેશમાં કરોડો ગરીબોને 2 રૂપિયામાં, 3 રૂપિયામાં અનાજ મળે છે. સરકાર આ માટે બહુ મોટો ખર્ચ કરી રહી છે. પણ તેનો શ્રેય સરકારને જતો નથી. હું આજે આનો શ્રેય સવિશેષપણે પ્રામાણિક કરદાતાઓને આપવા ઇચ્છું છું. તમે જ્યારે બપોરે ભોજન લો, ત્યારે થોડી ક્ષણ મારી વાતને યાદ કરીને પરિવાર સાથે બેસીને ચર્ચા કરજો. હું આજે પ્રામાણિક કરદાતાઓનાં હૃદયને સ્પર્શવા ઇચ્છું છું. તેમનાં મનમંદિરમાં નમન કરવા જઈ રહ્યો છું. મારા દેશવાસીઓ, જે પ્રામાણિક કરદાતા છે, જે ટેક્સ આપે છે, હું તેમને વિશ્વાસ અપાવવા ઇચ્છું છું કે જે પ્રામાણિક વ્યક્તિ કરવેરો ભરે છે, એમનાં પૈસામાંથી આ યોજનાઓ ચાલે છે. આ યોજનાઓનું પુણ્ય જો કોઈને મળે છે, તો તે સરકારને નહીં, પણ મારાં પ્રામાણિક કરદાતાઓને મળે છે, Tax payerને મળે છે. અને એટલે જ્યારે તમે ભોજન લેવા બેસો છો, તો તમે વિશ્વાસ કરજો કે તમારી કરવેરાની પ્રામાણિક પ્રક્રિયાનું પરિણામ છે કે જ્યારે તમે ભોજન લઈ રહ્યાં છો, ત્યારે ત્રણ ગરીબ પરિવાર પણ ભોજન લઈ રહ્યાં છે, જેનું પુણ્ય પ્રામાણિક કરદાતાઓને મળે છે અને ગરીબનું પેટ ભરાય છે.

 

મિત્રો,દેશમાં કરવેરો ન ભરવાની હવા બનાવવામાં આવી રહી છે, પણ જ્યારે કરદાતાને એ ખબર પડશે કે તેનાં કરવેરામાંથી, તેનાં ટેક્સમાંથી ભલે એ પોતાનાં ઘરમાં બેઠો હોય, વાતાનુકુલિત રૂમમાં બેઠો હોય. પણ એનાં ટેક્સમાંથી એ સમયે ત્રણ ગરીબ પરિવાર પોતાનું પેટ ભરે છે. તેનાથી મોટો જીવનનો સંતોષ બીજો ક્યો હોય. તેનાથી વધારે મનને પુણ્ય બીજું ક્યું મળી શકે.

 

ભાઈઓ અને બહેનો,આજે દેશ પ્રામાણિકતાનો ઉત્સવ ઉજવીને આગળ વધી રહ્યો છે અને પ્રામાણિકતાનાં ઉત્સવને લઈને ચાલી રહ્યો છે. દેશમાં વર્ષ 2013 સુધી, એટલે કે છેલ્લાં 70 વર્ષથી આપણા કામકાજનું પરિણામ હતું કે દેશમાં પ્રત્યક્ષ કર ચૂકવનાર કરદાતાની સંખ્યા 4 કરોડ હતી. પણ ભાઈઓ અને બહેનો, આજે આ સંખ્યા લગભગ બે ગણી વધીને પોણા સાત કરોડ થઈ ગઈ છે.

 

ક્યાં ત્રણ, સાડા ત્રણ, પોણા ચાર કરોડ કરદાતા અને ક્યાં સાત કરોડ કરદાતા – આ પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. દેશ પ્રામાણિકતાને પંથે અગ્રેસર છે એનું આ ઉદાહરણ છે. 70 વર્ષમાં આપણાં દેશમાં અપ્રત્યક્ષ કર સાથે 70 લાખ ઉદ્યોગસાહસિકો જોડાયા હતા. 70 વર્ષમાં 70 લાખ, પણ GSTનો અમલ થતાં જ છેલ્લાં એક વર્ષમાં આ 70 લાખનો આંકડો એક કરોડ 16 લાખ થઈ ગયો છે. ભાઈઓ અને બહેનો, મારાં દેશનો દરેક વ્યક્તિ આજે પ્રામાણિકતાનું પર્વ ઉજવવામાં આગળ વધી રહ્યો છે. જે પણ આગળ આવે છે, એમને હું નમન કરું છું. જે પ્રગતિ કરવા ઇચ્છે છે, એમને હું વિશ્વાસ આપવા ઇચ્છું છું. હવે દેશ પરેશાનીઓથી મુક્ત ગર્વપૂર્ણ કરદાતાનું જીવન સુધારવા માટે કટિબદ્ધ છે. હું કરદાતાઓને ખાતરી આપવા ઇચ્છું છું. તમે દેશનું નિર્માણ કરવામાં યોગદાન આપી રહ્યા છો. તમારી મુશ્કેલીઓ અમારી મુશ્કેલીઓ છે. અમે તમારી સાથે ઊભા છીએ, કારણ કે તમારા યોગદાનથી આપણે દેશને આગળ વધારવાનો છે અને એટલે ભાઈઓ અને બહેનો, અમે કાળું ધન ધરાવતાં, ભ્રષ્ટાચારીઓને માફ નહીં કરીએ. ગમે તેટલી આફતો કેમ ન આવે, આ માર્ગને હું છોડવાનો નથી, કારણ કે, દેશને ઉધઈની જેમ આ બિમારીઓએ બરબાદ કરી નાંખ્યો છે. તમે જોયું હશે કે, દિલ્હીની ગલીઓમાં power broker (સત્તાનાં દલાલો) દેખાતાં નથી.

 

મારા પ્રિય ભાઈઓ અને બહેનો,સમય બદલાઈ ગયો છે. આપણાં દેશમાં કેટલાંક લોકો પોતાના ઘરોમાં બેસીને કહેતા હતા – અરે, સરકારની એ નીતિ બદલી નાંખીશ, ફલાણું કરી દઇશ, ઢીંકણું કરી દઇશ, તેમની તમામ દુકાનો બંધ થઈ ગઈ છે, દરવાજા બંદ થઈ ગયા છે.

 

ભાઈઓ અને બહેનો,અમે ભાઈ-ભતીજાવાદ બંધ કરી દીધો છે. મારા-પારકાંની પરંપરાઓને અમે ખતમ કરી દીધી છે. લાંચ લેતાં લોકો સામે કઠોર કાર્યવાહી થઈ રહી છે. લગભગ ત્રણ લાખ શંકાસ્પદ કે શેલ કંપનીઓને તાળા લાગી ગયા છે, તેમનાં ડાયરેક્ટર્સનાં નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. આજે અમે પ્રક્રિયાઓને transparent (પારદર્શક) બનાવવા માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરી છે. અમે આઈટી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેનું પરિણામ છે કે અત્યારે પર્યાવરણની મંજૂરી - એક સમય હતો જ્યારે પર્યાવરણની મંજૂરી મેળવવી એટલે ભષ્ટાચારના પહાડો ચઢતા જવા ત્યારે મળતી હતી. ભાઈઓ બહેનો અમે તેને પારદર્શક બનાવી દીધું. ઓનલાઈન બનાવી દીધું. કોઈ પણ વ્યક્તિ હવે અનુભવી શકે છે. અને ભારતનાં સંસાધનોનો સદુપયોગ થાય, એનાં પર આપણે કામ કરી શકીએ છીએ. ભાઈઓ અને બહેનો, આજે આપણાં માટે ગર્વનો વિષય છે કે આપણાં દેશમાં સર્વોચ્ચ અદાલતમાં અત્યારે ત્રણ મહિલા ન્યાયાધિશો છે. કોઈપણ ભારતની નારીશક્તિ પર ગર્વ કરી શકે છે કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં આજે ત્રણ મહિલા માન્ય ન્યાયાધિશ આપણાં દેશને ન્યાય આપી રહી છે. ભાઈઓ અને બહેનો, મને ગર્વ છે કે આઝાદી પછી આ પહેલું મંત્રીમંડળ છે, જેમાં સૌથી વધુ મહિલાઓને સ્થાન મળ્યું છે. ભાઈઓ અને બહેનો, હું આજે આ મંચથી ભારતની કેટલીક દિકરીઓ, આપણી બહાદુર દિકરીઓને એક ખુશખબર આપવા ઇચ્છું છું. ભારતીય સશસ્ત્ર સેનામાં શોર્ટ સર્વિસ કમીશનનાં માધ્યમથી નિયુક્ત મહિલા અધિકારીઓને પુરુષ સમકક્ષ અધિકારીઓની જેમ પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા સ્થાયી કમીશનની હું આજે જાહેરાત કરું છું. જે આપણી લાખો દિકરીઓ અત્યારે યુનિફોર્મનું જીવન જીવી રહી છે, દેશ માટે કશુંક કરવા ઇચ્છે છે, એમને હું આજે ભેટ આપી રહ્યો છું, લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપી રહ્યો છું. દેશની મહિલાઓ શક્તિશાળી ભારતનાં નિર્માણ માટે ખભેખભો મિલાવીને ચાલી રહી છે. આપણી માતા-બહેનોનું ગર્વ, તેમનાં યોગદાન, તેમનાં સામર્થ્યને દેશ આજે અનુભવી રહ્યો છે.ખેતરથી માંડીને રમતના મેદાન સુધી આપણી મહિલાઓ હિંદુસ્તાનનો તિરંગો ઝંડો ઉંચો રાખી રહી છે. સરપંચથી માંડીને સંસદ સુધી આપણાં દેશની મહિલાઓ દેશના વિકાસ માટે યોગદાન આપી રહી છે. શાળાથી માંડીને સેના સુધી આપણાં દેશની મહિલાઓ આજે ખભેથી ખભો મિલાવીને આગળ ધપી રહી છે, પરંતુ જ્યારે આટલા મોટા પ્રમાણમાં આપણી મહિલાઓ પોતાના પરાક્રમ વડે આગળ વધી રહી હોય ત્યારે ક્યારેક ક્યારેક આપણને વિકૃતિઓ પણ જોવા મળે છે અને મહિલા શક્તિને પડકાર આપવાવાળી રાક્ષસી શક્તિઓ ક્યારેક ક્યારેક ઉભરી આવે છે. બળાત્કાર પીડાદાયક હોય છે, પરંતુ બળાત્કારનો શિકાર બનેલી એ બેટીને જેટલી પીડા થતી હશે તેનાથી લાખો ગણી પીડા આપણને દેશવાસીઓને, દેશની જનતાને અને દરેકને લાખો ગણી પીડા થાય છે.

 

ભાઈઓ અને બહેનો, આ રાક્ષસી મનોવૃત્તિથી સમાજને મુક્ત કરવો પડશે, દેશને મુક્ત કરવો પડશે. કાયદો તેનું કામ કરી રહ્યો છે, વિતેલા દિવસોમાં મધ્ય પ્રદેશમાં 5 દિવસની અંદર કટનીમાં બળાત્કારીઓનો કેસ 5 દિવસ ચાલ્યો. અને 5 દિવસમાં ફાંસીની સજા પણ આપી દેવામાં આવી. આ રીતે રાજસ્થાનમાં પણ છેલ્લા થોડાંક દિવસોમાં બળાત્કારીઓના કેસ ચાલ્યા અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. આજે ફાંસીના સમાચારોનો જેટલો વધુ પ્રચાર થશે, તેટલો આવી રાક્ષસી મનોવૃત્તિ ધરાવતા લોકોમાં ભય પેદા થશે. આપણે આવા સમાચારોનો પ્રચાર કરવો જોઈએ. હવે ફાંસી પર લટકાવવાનું નક્કી થઈ ગયું છે તેવી આવા લોકોને ખબર પડવી જોઈએ અને રાક્ષસી વૃત્તિની માનસિકતા ધરાવતા લોકોમાં ભય પેદા થવો જોઈએ. આપણે તેમની માનસિકતા ઉપર પ્રહાર કરવાની જરૂર છે. આવા વિચારો પર પ્રહાર કરવાની જરૂર છે. આ વિકૃતિ ઉપર પ્રહાર કરવાની જરૂર છે. અને ભાઈઓ, બહેનો આવા વિચારો, આવી વિકૃતિ અક્ષમ્ય અપરાધને જન્મ આપે છે. આપણાં માટે કાયદાનું શાસન સુપ્રિમ છે. તેમાં કોઈ સમાધાન થઈ શકતું નથી. કોઈને પણ કાયદો હાથમાં લેવા દેવાય નહીં અને પરિવારોમાં પણ, સ્કૂલોમાં, પ્રચાર માધ્યમોમાં આપણાં બાળકોની આપણી નવી પેઢી, ફૂલ જેવા નાદાન બાળકોનો ઉછેર એવો થવો જોઈએ કે તેમની નસ નસમાં સંસ્કાર પ્રવેશે. મહિલાઓનું ગૌરવ કરવાનું તેમના દિલ અને દિમાગમાં ભળેલું હોય અને મહિલાઓનું સન્માન એ જીવન જીવવાની સાચી પધ્ધતિ છે તેવું તે માનવા જોઈએ. નારીનું ગૌરવ એ જીવનનો સાચો માર્ગ બની શકે છે. આપણે હવે પરિવારોમાં પણ આવા સંસ્કારો આપવા જોઈએ.

 

ભાઈઓ અને બહેનો, મારી મુસ્લિમ મહિલા બહેનોને આજે લાલ કિલ્લા ઉપરથી વિશ્વાસ અપાવવામાગું છું કે ત્રણ તલાકના કુરિવાજે આપણાં દેશની મુસ્લિમ બેટીઓની જીંદગી દુઃખી કરીને મૂકી છે. અને જેમને તલાક મળ્યા છે તે પણ દબાણ નીચે જીવન વિતાવી રહી છે. આ સત્રમાં અમે સંસદમાં કાનૂન લાવીને આપણી આ મહિલાઓને કુરિવાજોથી મુક્તિ અપાવવાનુ બીડુ ઝડપ્યું હતું, પરંતુ હજુ પણ એવા કેટલાક લોકો છે જે તેને મંજૂર થવા દેતા નથી. પરંતુ મારા દેશની આ પીડિત માતાઓ અને બહેનોને, મારી મુસ્લિમ બેટીઓને હું વિશ્વાસઅપાવવામાગું છું કે તેમના ન્યાય માટે, તેમના હક્ક માટે કામ કરવામાં હું થોડીક પણ ઊણપ નહીં આવવા દઉં. હું તમારી આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરીને જ રહીશ.

 

મારા વ્હાલા દેશવાસીઓ, સેના હોય, અર્ધ સૈનિક દળ હોય, આપણું પોલિસ દળ હોય કે આપણી ગુપ્તચર એજન્સી હોય, આ બધાંની એકતાએ દેશની આંતરિક સુરક્ષાને ખૂબ મોટી તાકાત આપી છે અને એક આંતરિક સુરક્ષાનો ભરોસો પેદા કર્યો છે. તેમના આ ત્યાગ, તપસ્યા અને કઠોર પરિશ્રમને કારણે એક નવો વિશ્વાસ ઉભો થયો છે.

 

ભાઈઓ અને બહેનો,નોર્થ-ઈસ્ટમાં અવારનવાર હિંસાની ઘટનાઓ ઘટતી હતી, અલગાવવાદનાં સમાચાર આવતાં હતાં. બોમ્બ, બંદૂક, પિસ્તોલની ઘટનાઓ સંભળાતી હતી. પણ આજે એક આર્મ્ડ ફોર્સીસ સ્પેશીયલ પાવર એક્ટ, જે ત્રણ-ત્રણ, ચાર-ચાર દાયકાથી લાગુ હતો, આજે મને ખુશી છે કે આપણાં સુરક્ષા દળોનાં પ્રયાસોનું પરિણામ, જનસાધારણને જોડવાનાં પ્રયાસોનું પરિણામ છે. આજે ઘણાં વર્ષો પછી ત્રિપુરા અને મેઘાલય સંપૂર્ણપણે આર્મ્ડ ફોર્સીસ સ્પેશીયલ પાવર એક્ટથી મુક્ત થઈ ગયાં છે.

 

અરુણાચલ પ્રદેશનાં પણ ઘણાં જિલ્લા એનાથી મુક્ત થઈ ગયાં છે. ગણ્યાગાંઠ્યાં જિલ્લાઓમાં હવે આ સ્થિતિ રહી છે. ડાબેરી ઉગ્રવાદ, માઓવાદ દેશને રક્તરંજિત કરે છે. અવારનવાર હિંસા કરીને જંગલોમાં છુપાઈ જવું, પણ આપણાં સુરક્ષા દળોનાં પ્રયાસોને કારણે વિકાસની નવી નવી યોજનાઓને કારણે જન સામાન્યને જોડવાનાં પ્રયાસોને કારણે જે ડાબેરી ઉગ્રવાદ126 જિલ્લાઓને મોતના મુખમાં જીવવા માટે મજબૂર કરી રહ્યો હતો, આજે એ પ્રકારનાં જિલ્લાની સંખ્યા ઘટીને લગભગ 90 થઈ ગઈ છે. હવે વિકાસ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે.

 

ભાઈઓ અને બહેનો,જમ્મુ-કાશ્મીર વિશે અટલ બિહારી વાજપેયીજીએ આપણને માર્ગ ચીંધ્યો છે અને એ જ માર્ગ ઉચિત છે. એ માર્ગે જ આપણે આગળ વધવા ઇચ્છીએ છીએ. વાજપેયીજીએ કહ્યું હતું – ઇન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત – આ ત્રણ મૂળ મુદ્દાઓને લઈને આપણે કાશ્મીરનો વિકાસ કરી શકીએ – પછી એ લડાખ હોય, પછી એ જમ્મુ હોય કે શ્રીનગર વેલી હોય, સંતુલિત વિકાસ હોય, સમાન વિકાસ હોય, ત્યાનાં સામાન્ય માનવીની આશા-આકાંક્ષા પૂર્ણ થાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બળ મળે અને સાથેસાથે જન-જનને ભેટીને ચાલીએ, આ ભાવ સાથે આપણે આગળ વધવા ઇચ્છીએ છીએ. આપણે ગોળી અને ગાળોનાં માર્ગે નહીં, પણ એકબીજાને પ્રેમથી અપનાવીને મારા કાશ્મીરનાં દેશભક્તિથી જીવતા લોકોની સાથે આગળ વધવા ઇચ્છીએ છીએ.

 

ભાઈઓ અને બહેનો, સિંચાઈની પરિયોજનાઓ આગળ વધી રહી છે. IIT, IIM, AIIMSનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. દાલ ઝીલનું પુનર્નિર્માણનું, પુનરોદ્ધારનું કામ પણ અમે ચલાવી રહ્યાં છે. સૌથી મોટી વાત છે, આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરનાં ગામમાં દરેક મનુષ્ય મારી પાસે એક વર્ષથી માંગણી કરી રહ્યાં હતાં, ત્યાંનાં પંચ મને સેંકડોની સંખ્યામાં આવીને મળતાં હતાં અને તેઓ માંગણી કરી રહ્યાં હતાં કે જમ્મુ-કાશ્મીરમાં અમને પંચાયતોની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આપો. એક યા બીજા કારણે એ અટકી ગઈ હતી. મને ખુશી છે કે, આગામી થોડાં મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ગામનાં લોકોને પોતાનો અધિકાર મેળવવવાની તક મળશે. પોતાની વ્યવસ્થા ઊભી કરવાની તક મળશે. હવે તો ભારત સરકાર પાસેથી મોટાં પાયે ભંડોળ સીધું ગામને મળે છે, એટલે ગામને આગળ વધારવા ત્યાં ચૂંટાયેલા પંચને તાકાત મળશે. એટલે નજીકનાં ભવિષ્યમાં પંચાયતોની ચૂંટણી હોય, સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી હોય, એ દિશામાં આપણે આગળ વધી રહ્યાં છીએ.

 

ભાઈઓ અને બહેનો,આપણે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. આપણો મંત્ર રહ્યો છે - सबकासाथ, सबकाविकास – બધાનો સાથ, બધાનો વિકાસ. કોઈની સાથે ભેદભાવ નહીં, કોઈ મારું-તારું નહીં, કોઈ પોતાનું-પારકું નહીં, કોઈ ભાઈ-ભતીજાવાદ નહીં, બધાનો સાથ એટલે બધાનો સાથ. અને એટલે અમે એવા લક્ષ્યાંકો નક્કી કરીને ચાલીએ છીએ. અને હું આજે ફરી એક વાર આ ત્રિરંગા ઝંડા નીચે ઊભો રહીને, લાલ કિલ્લાની દિવાલ પરથી કોટિ-કોટિ દેશવાસીઓને એ સંકલ્પોનું પુનરાવર્તન કરવા ઇચ્છું છું, એ સંકલ્પોનો જયઘોષ કરવા ઇચ્છું છું, જેનાં માટે આપણે આપણી જાતને ફના કરી દેવા તૈયાર છીએ.

 

દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોય - housing for all. દરેક ઘરમાં વીજળીનું કનેક્શન હોય - Power for all. દરેક ભારતીય મહિલાને રસોડામાં ધુમાડાથી મુક્તિ મળે અને એ માટે cooking gas for all. દરેક ભારતીયને જરૂરિયાત પ્રમાણે પાણી મળે અને એટલે water for all. દરેક ભારતીયને શૌચાલય મળે અને એટલે sanitation for all, દરેક ભારતીયને કૌશલ્ય મળે અને એટલે skill for all, દરેક ભારતીયને સારી અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ મળે એટલે health for all, દરેક ભારતીયને સુરક્ષા મળે, સુરક્ષાનું વીમાકવચ મળે અને એટલે insurance for all, દરેક ભારતીયને ઇન્ટરનેટની સેવા મળે અને એટલે connectivity for all, આ મંત્ર લઈને અમે દેશને આગળ વધારવા ઇચ્છીએ છીએ.

 

મારા પ્રિય ભાઈઓ અને બહેનો,લોકો મારી ઘણી વાતો કરે છે, પણ જે કંઈ પણ કહેવાય છે, તેમાંથી કેટલીક વાતોનો હું આજે સ્વીકાર કરવા ઇચ્છું છું. હું અધીર છું, કારણ કે દુનિયાનાં ઘણાં દેશ આપણાંથી આગળ નીકળી ગયા છે, હું અધીર છું મારાં દેશને આ તમામ દેશોથી પણ આગળ લઈ જવા બેચેન છું. હું બેચેન છું, મારાં પ્રિય દેશવાસીઓ, હું અધીર છું, હું બેચેન છું. હું બેચેન છું, કારણ કે આપણાં દેશનાં બાળકોનાં વિકાસમાં કુપોષણ મોટો અવરોધ છે. એક બહુ મોટો અંતરાય બન્યો છે. મારે મારા દેશને કુપોષણથી મુક્ત કરાવવો છે એટલે હું બેચેન છું. મારાં દેશવાસીઓ, હું વ્યાકુળ છું, ઉચિત સ્વાસ્થ્ય સુરક્ષા પ્રાપ્ત થાય, એ માટે હું બેચેન છું, જેથી મારા દેશનો સામાન્ય માણસ પણ બિમારી સામે લડી શકે, બાથ ભીડી શકે.

 

ભાઈઓ અને બહેનો,હું વ્યાકુળ પણ છું, હું વ્યગ્ર પણ છું. હું વ્યગ્ર છું, જેથી પોતાનાં નાગરિકને quality of life, ease of living (જીવનની ગુણવત્તા, જીવનની સરળતા) ની તક પ્રદાન થાય, તેમાં પણ સુધારો થાય.

 

મારા પ્રિય દેશવાસીઓ,હું વ્યાકુળ છું, હું વ્યગ્ર છું, હું આતુર પણ છું, કારણ કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જ્ઞાન-માહિતીનાં માધ્યમથી થવાની છે, એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ, આઈટી જેની આંગળીઓમાં છે, તે મારો દેશ તેનું નેતૃત્વ કરે તેના માટે હું આતુર છું.

 

મારાં પ્રિય દેશવાસીઓ,

 

હું આતુર છું, કારણ કે હું ઈચ્છું છું કે દેશ પોતાની ક્ષમતા અને સંસાધનોનો સંપૂર્ણ લાભ ઉઠાવે અને વિશ્વમાં ગર્વ સાથે આપણે આગળ વધીએ.

 

મારાં પ્રિય દેશવાસીઓ,અત્યારે આપણે જે પ્રગતિ કરી છે, એનાથી અનેકગણી પ્રગતિ ભવિષ્યમાં કરવા ઇચ્છીએ છીએ. અટકવું, સ્થિર થઈ જવું અને ઝુકવાનું તો આપણાં સ્વભાવમાં જ નથી. આ દેશ ક્યારેય અટક્યો નથી, ક્યારેય ઝુક્યો નથી, ક્યારેય થાક્યો નથી, આપણે નવી ઊઁચાઈઓ હાંસલ કરવાની છે, ઉત્તરોત્તર પ્રગતિ કરીને આગેકૂચ કરવાની છે.

 

ભાઈઓ અને બહેનો,વેદકાળથી હાલનાં આઇટી યુગ સુધી વિશ્વનો પ્રાચીન સમૃદ્ધ વારસો આપણે ધરાવીએ છીએ. આપણા પર આ વારસાનાં આશીર્વાદ છે. એ વારસો આપણાં આત્મવિશ્વાસનું પરિણામ છે. એને લઈને આપણે ભવિષ્યમાં પ્રગતિનાં પંથે અગ્રેસર થવા ઇચ્છીએ છીએ. અને મારાં પ્રિય દેશવાસીઓ, આપણે ફક્ત ભવિષ્યનો જ વિચાર કરવાનો નથી, પણ ભવિષ્યનાં એ શિખર પર પણ પહોંચવા ઇચ્છીએ છીએ. ભવિષ્યનાં શિખરનું સ્વપ્ન લઈને આપણે ચાલવાનું છે અને એટલે મારા પ્રિય દેશવાસીઓ હું તમને એક નવી આશા, એક નવા ઉમંગ, એક નવો વિશ્વાસ – દેશ એને લઈને જ આગળ વધી રહ્યો છે અને એટલે મારા પ્રિય દેશવાસીઓ....

 

अपनेमनमेंएकलक्ष्यलिए,

अपनेमनमेंएकलक्ष्यलिए,

मंजिलअपनीप्रत्यक्षलिए,

अपनेमनमेंएकलक्ष्यलिए,

मंजिलअपनीप्रत्यक्षलिएहमतोड़रहेहैजंजीरें,

हमतोड़रहेहैंजंजीरें,

हमबदलरहेहैंतस्वीरें,

येनवयुगहै, येनवयुगहै,

येनवभारतहै, येनवयुगहै,

येनवभारतहै

खुदलिखेंगेअपनीतकदीर, हमबदलरहेहैंतस्वीर,

खुदलिखेंगेअपनीतकदीर, येनवयुगहै, नवभारतहै,

हमनिकलपड़ेहैं, हमनिकलपड़ेहैंप्रणकरके,

हमनिकलपड़ेहैंप्रणकरके, अपनातनमनअर्पणकरके,

अपनातनमनअर्पणकरके, ज़िदहै, ज़िदहै, ज़िदहै,

एकसूर्यउगानाहै, ज़िदहैएकसूर्यउगानाहै,

अम्बरसेऊंचाजानाहै, अम्बरसेऊंचाजानाहै,

एकभारतनयाबनानाहै, एकभारतनयाबनानाहै।।

 

મારા પ્રિય દેશવાસીઓ,

 

હું આઝાદીનાં આ પાવન પર્વ પર તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવો, તમે બધા જય હિંદનો મંત્ર ઉચ્ચ સ્વરમાં મારી સાથે બોલશો – જય હિંદ, જય હિંદ, જય હિંદ, જય હિંદ, ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.

 

J.Khunt/RP