independenceday-2016

Press Information Bureau

Government of India

Prime Minister's Office

પ્રધાનમંત્રીએ 72માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

Posted On :15, August 2018 10:51 IST

આજે ભારતનાં 72માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ અત્યારે ભારત આત્મવિશ્વાસ સાથે પ્રગતિનાં પંથે અગ્રેસર છે એ વાત પર ભાર મૂકીને દેશનાં નૌકાદળની છ યુવાન મહિલા અધિકારીઓની નાવિકા સાગર પરિક્રમાની સફળતા તથા ગરીબ કુટુંબોમાંથી આવેલા યુવાન ભારતીય રમતવીરોની સિદ્ધિઓ જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નીલગિરીની પવર્તમાળાઓમાં નીલકુરિન્જી ફૂલો ખીલ્યાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે દર 12 વર્ષે એક વાર ખીલે છે. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં પૂર્ણ થયેલા સંસદનાં ચોમાસુ સત્રને સામાજિક ન્યાયનાં હિત પ્રત્યે સમર્પિત સત્ર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર છે.

 

પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સુરક્ષા દળો અને પોલીસ દળોનાં જવાનોને સલામી આપી હતી. તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં શહીદ ભારતીયોને ખાસ કરીને નમન કર્યા હતાં. આ હત્યાકાંડ વર્ષ 1919માં વૈશાખીનાં દિવસે અમૃતસરનાં જલિયાંવાલા બાગમાં થયો હતો. તેમણે દેશનાં કેટલાંક વિસ્તારોમાં ચોમાસાનો ભોગ બનેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

પ્રધાનમંત્રી તેમનાં ભાષણમાં મહાન કવિ સુબ્રમનિયમ ભારતીને ટાંક્યાં હતાં, જેમણે કહ્યું હતું કે, ભારત તમામ પ્રકારનાં બંધનોમાંથી આઝાદ થઈને દુનિયાને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ દેખાડશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુખી, શાંત, પ્રગતિશીલ અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન અનેક સ્વંતંત્રતા સેનાનીઓએ જોયું હતું. આ સ્વપ્નને સાકાર કરવા માટે બાબાસાહેબ આંબેડકરે દેશનાં સર્વસમાવેશક બંધારણને ઘડ્યું હતું, જેમાં ગરીબો માટે ન્યાય અને દેશનાં તમામ નાગરિકોને પ્રગતિ કરવા માટે સમાન તકોની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારતીયો દેશનું નવનિર્માણ કરવા માટે એક થઈ રહ્યાં છે. તેમણે દેશમાં શૌચાલયનો નિર્માણ, ગામડાઓમાં વીજળીનાં પુરવઠાની પહોંચ, એલપીજી ગેસનું જોડાણ, મકાનનું નિર્માણ વગેરે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા ઝડપી વિકાસનાં ઉદાહરણો ટાંક્યાં હતાં.

 

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે લાંબા સમયથી વિલંબિત નિર્ણયો લીધા હતાં, જેમાં ખેડૂતો માટે લઘુતમ ટેકાનાં ઊંચા ભાવ (ઊંચી એમએસપી), ચીજવસ્તુઓ અને સેવા વેરો (જીએસટી) અને વન રેન્ક – વન પેન્શન સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશનાં હિતને સર્વોપરી રાખ્યું હોવાથી આ શક્ય બન્યું છે.

 

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારતને વર્ષ 2013ની સરખામણીમાં અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તેમણે કહ્યું હતું કે, ભારત નીતિગત નિષ્ક્રિયતાથી રિફોર્મ (સુધારા), પર્ફોર્મ (કામગીરી), ટ્રાન્સફોર્મ (પરિવર્તન)નાં માર્ગે આગેકૂચ કરી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત કેટલીક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્ય છે અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું નેતૃત્વ કરે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ઉત્તર-પૂર્વનાં રાજ્યો રમતગમત, છેવાડાનાં ગામડાઓમાં વીજળીનો પુરવઠો પહોંચવા માટે અને સજીવ ખેતીનું કેન્દ્ર બનવા માટે સમાચારોમાં છે.

 

પ્રધાનમંત્રીએ મુદ્રા યોજના હેઠળ 13 કરોડ લોનનું વિતરણ થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને એમાંથી ચાર કરોડ લોનધારકોએ આ પ્રકારની લોન સૌપ્રથમ વખત મેળવી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને પોતાનાં વિજ્ઞાનીઓ પર ગર્વ છે. તેમણે જ્ઞાન-ગંગા માનવસહિત અંતરિક્ષ અભિયાનની જાહેરાત કરી હતી, જે વર્ષ 2022 સુધીમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવશે તેમજ તેમાં ભારત પોતાની ક્ષમતાનો ઉપયોગ કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનું કામ કરનાર દુનિયામાં ભારત ચોથો દેશ બનશે.

 

પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં વિઝન પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, એની પાછળનો ઉદ્દેશ અતિ મુશ્કેલ જણાતાં કાર્યને પૂર્ણ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના જેવી પહેલો લોકોને સન્માન પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) જેવી સંસ્થાઓએ સ્વચ્છ ભારત અભિયાનમાં દેશની પ્રગતિની પ્રશંસા કરી છે.

 

શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન ચાલુ વર્ષે 25 સપ્ટેમ્બરનાં રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર શરૂ કરવાની જાહેરાત કરી હતી. અત્યારે ભારતનાં ગરીબોને સારી ગુણવત્તાયુક્ત અને વાજબી કિંમતે હેલ્થકેર સુવિધાઓ સુલભ થાય એ સુનિશ્ચિત કરવાની તાતી જરૂર છે એવું એમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ યોજના 50 કરોડ લોકોનાં જીવન પર સકારાત્મક અસર કરશે.

 

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, આશરે 6 કરોડ બનાવટી લાભાર્થીઓને લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરીને સરકારે વધુ લાભાર્થીઓને લક્ષ્યાંક બનાવ્યાં છે અને તેમનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થઈ છે. તેમણે કહ્યું હતું કે, ભારતનાં પ્રામાણિક કરદાતા દેશની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રામાણિક કરદાતાઓને કારણે અનેક લોકોને આજીવિકા અને અન્ન મળે છે તેમજ ગરીબોનાં જીવનની ગુણવત્તા સુધરે છે અને તેમનાં જીવનમાં પરિવર્તન આવે છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો પાસે કાળુંનાણું છે અને જેઓ ભ્રષ્ટાચારી છે એમને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે, અત્યારે દિલ્હી સત્તાનાં દલાલોથી મુક્ત થઈ ગઈ છે અને ગરીબોનો અવાજ સરકાર સુધી પહોંચે છે.

 

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારતનાં સશસ્ત્ર દળોમાં શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓ હવે પારદર્શક પસંદગી પ્રક્રિયા મારફતે કાયમીનિયુક્તિ મેળવવાને પાત્ર બનશે.

 

ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાઓને થયેલા ભારે અન્યાયની નોંધ લઈને પ્રધાનમંત્રીએ મુસ્લિમ મહિલાઓને ખાતરી આપી હતી કે, તેઓ તેમને ન્યાય મળે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

 

પ્રધાનમંત્રીએ દેશમાં નક્સલવાદી ઘટનાઓમાં ઘટાડો થયો હોવાની વાત કરી હતી. તેમણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું જમ્મુ-કાશ્મીર રાજ્ય માટેનું ઇન્સાનિયત, જમ્હૂરિયત, કશ્મિરિયતનું સ્વપ્ન સાકાર કરવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

 

તેમણે તમામ માટે ઘર, તમામ માટે વીજળી, તમામ માટે પર્યાવરણને અનુકૂળ રાંધણ ગેસ, તમામ માટે પાણી, તમામ માટે સાફસફાઈ અને સ્વચ્છતા, તમામ માટે કૌશલ્ય, તમામ માટે સ્વાસ્થ્ય અને તમામ માટે વીજળીનાં વિઝન પર ભાર મૂક્યો હતો.

 

તેમણે કહ્યું હતું કે, તેઓ ભારતની પ્રગતિ જોવા, કુપોષણને નાબૂદ કરવા અને ભારતીયોને ગુણવત્તાયુક્ત જીવન મળે એ જોવા માટે ઉત્સુક છે,આતુર છે.

 

J.Khunt