હું બોલીશ સરદાર પટેલ, તમે લોકો બોલજો, અમર રહે અમર રહે.
સરદાર પટેલ.. અમર રહે અમર રહે.
સરદાર પટેલ.. અમર રહે અમર રહે.
સરદાર પટેલ.. અમર રહે અમર રહે.
હું હજુ પણ બીજો એક નારો ઈચ્છુ છુ કે, જે આ ધરતી પરથી પ્રત્યેક પળે આ દેશમાં ગુંજતો રહે. હું કહીશ, દેશની એકતા, તમે કહેજો – જિંદાબાદ જિંદાબાદ.
દેશની એકતા - જિંદાબાદ જિંદાબાદ.
દેશની એકતા - જિંદાબાદ જિંદાબાદ.
દેશની એકતા - જિંદાબાદ જિંદાબાદ.
દેશની એકતા - જિંદાબાદ જિંદાબાદ.
મંચ પર બિરાજમાન ગુજરાતના રાજપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીજી, રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, કર્ણાટકના રાજ્યપાલ શ્રીમાન વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, સંસદના મારા સાથી અને રાજ્યસભાના સભ્ય શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, વિધાનસભાના સ્પીકર રાજેન્દ્રજી, દેશ વિદેશમાંથી અહિં ઉપસ્થિત મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
મા નર્મદાની આ પાવન પવિત્ર ધારાના કિનારા પર સાતપુડા અને વિંધ્યના પાલવમાં આ ઐતિહાસિક અવસર પર હું આપ સૌનું, દેશવાસીઓનું, વિશ્વમાં ફેલાયેલા હિન્દુસ્તાનીઓનું અને હિન્દુસ્તાનને પ્રેમ કરનારા હર એક વ્યક્તિનું અભિવાદન કરું છું.
આજે સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર દેશના ખુણે ખૂણામાં ભારતની એકતા અને અખંડિતતા માટે આપણા નવયુવાનો દોડ લગાવી રહ્યા છે. ‘રન ફોર યુનિટી’ – તેમાં ભાગ લેનારા તમામ પ્રતિસ્પર્ધીઓનું પણ હું અભિવાદન કરું છું. તમારી ભારત ભક્તિ જ અને આ જ ભારત ભક્તિની આ જ ભાવના છે, જેના જોર પર હજારો વર્ષોથી ચાલતી આવેલી આપણી સભ્યતા વૃદ્ધિ પામી રહી છે, વિકસિત થઇ રહી છે. સાથીઓ કોઈ પણ દેશના ઈતિહાસમાં એવા અવસરો આવે છે, જ્યારે તે પૂર્ણતાનો અનુભવ કરે છે. આજે તે એવી ઘડી હોય છે જે કોઈ રાષ્ટ્રના ઈતિહાસમાં હંમેશા માટે નોંધાઈ જતી હોય છે અને તેને ભૂંસી શકવી ખૂબ અઘરી હોય છે. આજનો આ દિવસ પણ ભારતના ઈતિહાસની આવી જ કેટલીક ક્ષણોમાંથી એક મહત્વપૂર્ણ ક્ષણ છે. ભારતની ઓળખ ભારતના સન્માન માટે સમર્પિત એક વિરાટ વ્યક્તિત્વનું યોગ્ય સ્થાન આપવાની એક અધુરપને લઈને આઝાદીના આટલા વર્ષો સુધી આપણે ચાલી રહ્યા હતા.
આજે ભારતના વર્તમાને પોતાના ઈતિહાસના એક સ્વર્ણિમ પુરુષને ઉજાગર કરવાનું કામ કર્યું છે. આજે જ્યારે ધરતીથી લઈને આકાશ સુધી સરદાર સાહેબનો અભિષેક થઇ રહ્યો છે ત્યારે ભારતે માત્ર પોતાની માટે જ એક નવા ઈતિહાસની રચના નથી કરી પરંતુ ભવિષ્યની માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર પણ તૈયાર કર્યો છે. એ મારું સૌભાગ્ય છે કે મને સરદાર સાહેબની આ વિશાળ પ્રતિમાને દેશને સમર્પિત કરવાનો અવસર મળ્યો છે. જ્યારે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આની કલ્પના કરી હતી તો મને અહેસાસ પણ નહોતો કે એક દિવસ પ્રધાનમંત્રી તરીકે મને જ આ પુણ્ય કાર્ય કરવાનો અવસર મળશે. સરદાર સાહેબના આ આશીર્વાદ માટે, દેશની કોટી-કોટી જનતાના આશીર્વાદ માટે હું મારી જાતને ધન્ય માનું છું. આજે ગુજરાતના લોકોએ મને જે અભિનંદન પત્ર આપ્યું છે તેના માટે પણ હું ગુજરાતની જનતાનો ખૂબ-ખૂબ આભારી છું. મારા માટે આ સન્માન પત્ર કે અભિનંદન પત્ર નથી પરંતુ જે માટીમાં નાનપણથી ઉછર્યો મોટો થયો, જેની વચ્ચે સંસ્કારો મેળવ્યા અને જે રીતે માં પોતાના દીકરાની પીઠ પર હાથ મુકે છે તો દીકરાની તાકાત, ઉત્સાહ, ઊર્જા હજારો ગણી વધી જાય છે. આજે તમારા આ સન્માન પત્રમાં, હું તે આશીર્વાદની અનુભૂતિ કરી રહ્યો છું. મને લોખંડ અભિયાન દરમિયાન મળેલ લોખંડનો સૌપ્રથમ ટુકડો પણ સોંપવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદમાં અમે અભિયાન શરુ કર્યું હતું તો જે ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો તે પણ મને ઉપહાર સ્વરૂપે આપવામાં આવ્યો છે. હું આપ સૌની પ્રત્યે ગુજરાતના લોકો પ્રત્યે કૃતજ્ઞ છું. અને હું આ ચીજવસ્તુઓને અહિં જ છોડીને જઈશ જેથી કરીને તેમને અહિં સંગ્રહાલયમાં મૂકી શકાય અને જેથી કરીને દેશને જાણ થાય.
મને એ જૂના દિવસો યાદ આવી રહ્યા છે અને આજે મન ભરીને ઘણું બધું કહેવાનું મન પણ થઇ રહ્યું છે. મને એ દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે દેશભરના ગામડાઓમાંથી ખેડૂતો પાસેથી માટી મંગાવવામાં આવી હતી અને ખેતીમાં કામમાં લેવામાં આવેલા જૂના ઓજારો એકઠા કરવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે દેશભરના લાખો ગામડાઓમાં કરોડો ખેડૂત પરિવારોએ જાતે આગળ આવીને આ પ્રતિમાના નિર્માણને એક જન આંદોલન બનાવી દીધું હતું. જ્યારે તેમના દ્વારા આપવામાં આવેલા ઓજારો વડે સેંકડો મેટ્રિક ટન લોખંડ નીકળ્યું અને આ પ્રતિમાનો મજબૂત આધાર તૈયાર કરવામાં આવ્યો.
સાથીઓ, મને એ પણ યાદ છે કે જ્યારે આ વિચાર મેં સામે રજૂ કર્યો હતો તો શંકાઓ અને આશંકાઓનું પણ એક વાતાવરણ રચાયું હતું અને હું સૌપ્રથમ વાર એક વાત આજે રજૂ પણ કરવા માગું છું. જ્યારે આ કલ્પના મનમાં ચાલી રહી હતી ત્યારે હું અહીંના પહાડોને શોધી રહ્યો હતો કે મને કોઈ એવો મોટો ખડક મળી જાય. તે જ ખડકને નકશીકામ કરીને તેમાંથી જ સરદાર સાહેબની પ્રતિમા કાઢું. દરેક પ્રકારની તપાસ શોધખોળ પછી જાણવા મળ્યું કે આટલો મોટો ખડક શક્ય જ નથી અને એ ખડક પણ એટલો મજબૂત નથી તો મારે મારો વિચાર બદલવો પડ્યો અને આજે જે રૂપ તમે જોઈ રહ્યા છો તે વિચારે તેમાં જન્મ લીધો. હું સતત વિચારતો રહેતો હતો, લોકો સાથે વિચાર વિમર્શ કરતો હતો, સૌના સૂચનો લેતો રહેતો હતો અને આજે મને ખુશી છે કે દેશના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે જોડાયેલ જન-જને દેશના વિશ્વાસને, સામર્થ્યને એક શિખર સુધી પહોંચાડી દીધો છે.
ભાઈઓ અને બહેનો, વિશ્વમાં આ સૌથી ઊંચી પ્રતિમા સમગ્ર દુનિયાને, આપણી ભાવી પેઢીઓને તે વ્યક્તિના સાહસ, સામર્થ્ય અને સંકલ્પની યાદ અપાવતી રહેશે. જેણે મા ભારતીને ખંડ-ખંડ ટુકડાઓમાં વહેંચવાની ચાલને નિષ્ફળ બનાવી દેવાનું પવિત્ર કાર્ય કર્યું હતું. જે મહાપુરુષે તે તમામ આશંકાઓને હંમેશા-હંમેશા માટે સામાપ્ત કરી નાખી, જે તે સમયની દુનિયા ભવિષ્યના ભારત અંગે વિચારી રહી હતી. એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને હું શત્-શત્ નમન કરું છું.
સાથીઓ, સરદાર સાહેબનું સામર્થ્ય ત્યારે ભારતના કામમાં આવ્યું હતું જ્યારે મા ભારતી સાડા પાંચસો કરતા વધુ રજવાડાઓમાં વહેંચાયેલી હતી. દુનિયામાં ભારતના ભવિષ્ય પ્રત્યે ઘોર નિરાશા હતી અને નિરાશાવાદીઓ તે જમાનામાં પણ હતા, નિરાશાવાદીઓને લાગતું હતું કે ભારત પોતાની વિવિધતાઓના કારણે વિખેરાઈ જશે. જો કે નિરાશાના તે સમયગાળામાં પણ સૌને આશાનું એક કિરણ જોવા મળતી હતું અને આ આશાનું કિરણ આપણા સરદાર વલ્લભભાઇ પટેલ હતા.
સરદાર પટેલની અંદર કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજી મહારાજના શૌર્યનો સમાવેશ હતો. તેમણે જુલાઈ 1947ના રોજ રજવાડાઓને સંબોધન કરતા સરદાર સાહેબે કહ્યું હતું અને હું માનું છું કે સરદાર સાહેબના તે વાક્યો આજે પણ એટલા જ સાર્થક છે. સરદાર સાહેબે કહ્યું હતું કે વિદેશી આક્રાન્તાઓની સામે આપણા આંતરિક ઝગડાઓ, આંતરિક દુશ્મની, વેરનો ભાવ એ જ આપણી હારનું મોટું કારણ હતું. હવે આપણે આ ભૂલને ફરીથી પુનરાવર્તિત નથી કરવાની અને ન તો બીજી વાર કોઈનું ગુલામ બનવાનું છે.
સરદાર સાહેબના આ જ સંવાદ વડે એકીકરણની શક્તિને સમજીને આ રાજા રજવાડાઓએ પોતાના રાજ્યોનો વિલય કરાવ્યો હતો. જોત-જોતામાં તો ભારત એક થઇ ગયું. સરદાર સાહેબના આહવાન પર દેશના સેંકડો રાજા રજવાડાઓએ ત્યાગની મિસાલ કાયમ કરી હતી. આપણે રાજા રજવાડાઓના આ ત્યાગને ક્યારેય ભૂલવો ન જોઈએ અને મારું એક સપનું પણ છે કે આ જ સ્થાળની સાથે જોડીને આ સાડા પાંચસોથી વધુ જે રાજા રજવાડાઓ હતા તેમણે દેશના એકીકરણની માટે જે પગલાઓ ભર્યા હતા તેનું પણ એક વર્ચ્યુઅલ સંગ્રહાલય તૈયાર થાય જેથી કરીને આવનારી પેઢીને... નહિતર આજે લોકશાહી પદ્ધતિએ એક તાલુકાના અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવે અને તેને કહેવામાં આવે કે ભાઈ એક વર્ષ પહેલા છોડી દો તો મોટું તોફાન ઊભું થઇ જાય છે. આ રાજા મહારાજાઓએ સદીઓથી પોતાના પૂર્વજોની ચીજવસ્તુઓ દેશને આપી દીધી હતી. તેને આપણે ક્યારેય ભૂલી નથી શકતા, તેને પણ યાદ રાખવી પડશે.
સાથીઓ, જે નબળાઈ પર દુનિયા આપણને તે વખતે ટોણા મારી રહી હતી તેને જ તાકાત બનાવીને સરદાર પટેલે દેશને રસ્તો દેખાડ્યો હતો. તે જ રસ્તા પર ચાલીને સંશયમાં ઘેરાયેલ ભારત આજે દુનિયા સાથે પોતાની શરતો અનુસાર સંવાદ કરી રહ્યો છે. દુનિયાની મોટી આર્થિક અને સામરિક શક્તિ બનવા તરફ હિન્દુસ્તાન આગળ વધી રહ્યું છે. આ જો શક્ય બની શક્યું છે તો તેની પાછળ સાધારણ ખેડૂતના ઘરમાં પેદા થયેલા તે અસાધારણ વ્યક્તિત્વનું, સરદાર સાહેબનું બહુ મોટું યોગદાન હતું, ઘણી મોટી ભૂમિકા રહી છે. ભલે ગમે તેટલું દબાણ કેમ ન હોય, કેટલાય મતભેદ કેમ ન હોય વહીવટમાં શાસનને કેવી રીતે સ્થાપીત કરવામાં આવે છે, તે સરદાર સાહેબે કરીને દેખાડ્યું છે. કચ્છથી લઈને કોહિમા સુધી, કારગિલથી લઈને કન્યાકુમારી સુધી આજે જો કોઇપણ રોકટોક વગર આપણે આવી જઈ શકીએ છીએ તો તે સરદાર સાહેબના કારણે, તેમના સંકલ્પ વડે જ શક્ય બની શક્યું છે. સરદાર સાહેબે સંકલ્પ ન લીધો હોત, ક્ષણવાર કલ્પના કરો, હું મારા દેશવાસીઓને ઝકઝોરવા માંગું છું. એક ક્ષણ માટે કલ્પના કરી લો જો સરદાર સાહેબે આ કામ ન કર્યું હોત, આ સંકલ્પ ન લીધો હોત તો આજે ગીરના સિંહોને જોવા માટે અને શિવ ભક્તોને માટે સોમનાથમાં પૂજા કરવા અને હૈદરાબાદના ચાર મીનારને જોવા માટે આપણે ભારતીયોને વિઝા લેવા પડતા. જો સરદાર સાહેબનો સંકલ્પ ન હોત તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સીધી ટ્રેનની કલ્પના પણ કરી શકાય તેમ નહોતી. જો સરદાર સાહેબનો સંકલ્પ ન હોત તો સિવિલ સેવા જેવા વહીવટી માળખાને ઊભું કરવામાં આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.
ભાઈઓ અને બહેનો, 21 એપ્રિલ, 1947ના રોજ ઓલ ઇન્ડિયા એડમિનિસ્ટ્રેટીવ સેવાના પ્રોબેશનર્સને સંબોધિત કરતા સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું અને શબ્દો ખૂબ મહત્વપૂર્ણ છે. આજે પણ જેઓ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જે પણ છે, આ શબ્દો દરેક વ્યક્તિએ યાદ રાખવા જોઈએ, ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે અત્યાર સુધી જે આઈએએસ એટલે કે ભારતીય સનદી સેવા હતી તેમાં ન તો કઈ ભારતીય હતું અને ન તો તે સનદી હતી અને ન તો તેમાં સેવાની કોઈ ભાવના હતી. તેમણે યુવાનોને સ્થિતિને બદલવાનું આહવાન કર્યું. તેમણે નવયુવાનોને કહ્યું હતું કે તેમણે સંપૂર્ણ પારદર્શકતા સાથે, સંપૂર્ણ ઈમાનદારી સાથે ભારતીય વહીવટી સેવાનું ગૌરવ વધારવાનું છે. તેને ભારતના નવ નિર્માણ માટે સ્થાપિત કરવાનું છે. તે સરદારની જ પ્રેરણા હતી કે ભારત વહીવટી સેવાની સરખામણી સ્ટીલ ફ્રેમ સાથે કરવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો સરદાર પટેલને એવા સમયમાં દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા જે ભારતના ઈતિહાસની સૌથી મુશ્કેલ ઘડી હતી. તેમના ખભે દેશની વ્યવસ્થાઓના પુનઃનિર્માણની જવાબદારી હતી તો સાથે જ અસ્ત-વ્યસ્ત કાયદા વ્યવસ્થાને સંભાળવાની જવાબદારી પણ હતી. તેમણે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢીને આપણી આધુનિક પોલીસ વ્યવસ્થા માટે મજબૂત આધાર પણ તૈયાર કર્યો. સાથીઓ, દેશના લોકતંત્ર સાથે સામાન્ય માનવીને જોડવા માટે સરદાર સાહેબ પ્રતિ પળ સમર્પિત રહ્યા. મહિલાઓને ભારતની રાજનીતિમાં સક્રિય યોગદાનનો અધિકાર આપવા પાછળ સરદાર વલ્લભભાઇ પટેલની ઘણી મોટી ભૂમિકા રહી છે. જ્યારે દેશમાં માતાઓ બહેનો પંચાયતો અને શહેરોની સંસ્થાઓની ચૂંટણી સુદ્ધામાં ભાગ નહોતી લઇ શકતી, ત્યારે સરદાર સાહેબે તે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમની પહેલ વડે જ આઝાદીના અનેક દાયકાઓ પહેલા આ ભેદભાવને દૂર કરવાનો માર્ગ ખોલવામાં આવ્યો હતો, તે સરદાર સાહેબ જ હતા જેમના લીધે આજે મૌલિક અધિકાર આપણી લોકશાહીનો અસરકારક ભાગ છે.
સાથીઓ, આ પ્રતિમા સરદાર પટેલના તે જ પ્રણ, પ્રતિભા, પુરુષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ છે. આ પ્રતિભા તેમના સામર્થ્ય અને સમર્પણનું સન્માનતો છે જ પરંતુ તે ન્યુ ઇન્ડિયા, નવા ભારતના, નવા આત્મવિશ્વાસની અભિવ્યક્તિ પણ છે. આ પ્રતિમા ભારતના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારાઓને એ બાબત યાદ અપાવવા માટે કે આ રાષ્ટ્ર શાશ્વત હતું, શાશ્વત છે અને શાશ્વત રહેશે.
આ દેશભરના એ ખેડૂતોના સ્વાભિમાનનું પ્રતીક છે, જેમના ખેતરની માટી વડે અને ખેતરના સાજો-સમાનનું લોખંડ તેનો મજબૂત પાયો બન્યો અને દરેક પડકાર સામે ટકરાઈને અનાજ પેદા કરવાની તેમની ભાવના આનો આત્મા બની છે. આ તે આદિવાસી ભાઈ બહેનોના યોગદાનનું સ્મારક છે જેમણે આઝાદીના આંદોલનથી લઈને વિકાસની યાત્રામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આ ઊંચાઈ, આ બુલંદી ભારતના યુવાનોને એ યાદ અપાવવા માટે છે કે ભવિષ્યનું ભારત તમારી આકાંક્ષાઓનું છે જે આટલી વિરાટ છે. આ આકાંક્ષાઓને પૂરી કરવાનું સામર્થ્ય અને મંત્ર માત્ર અને માત્ર એક જ છે – એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારત.
સાથીઓ, સ્ટેચ્યુ ઑફ યુનિટી એ આપણા એન્જીનિયરીંગ અને ટેકનિકલ સામર્થ્યનું પણ પ્રતીક છે. વીતેલા આશરે સાડા ત્રણ વર્ષોમાં દર રોજ અંદાજે અઢી હજાર કારીગરોએ શિલ્પકારોએ મિશન મોડ પર કામ કર્યું છે. થોડા સમય પછી જેમનું સન્માન થવાનું છે, 90ની ઉંમરને પાર કરી ચૂકેલા છે, એવા દેશના ગણમાન્ય શિલ્પકાર શ્રીમાન રામ સુથારજીની આગેવાનીમાં દેશના અદભુત શિલ્પકારોની ટીમે કલાના આ ગૌરવશાળી સ્મારકને પૂર્ણ કર્યું છે. મનમાં મિશનની ભાવના રાષ્ટ્રીય એકતા પ્રત્યે સમપર્ણ અને ભારત ભક્તિનું જ બળ છે જેના કારણે આટલા ઓછા સમયમાં આ કામ પૂરું થઇ ગયું છે. સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ ક્યારે થયો હતો અને કેટલા દાયકાઓ બાદ તેનું ઉદઘાટન થયું, તે તો આપણી આંખો સામે જોતા-જોતા જ થઇ ગયું. આ મહાન કાર્ય સાથે જોડાયેલ દરેક કર્મચારી, દરેક કારીગર, દરેક શિલ્પકાર, દરેક એન્જીનિયર, તેમાં યોગદાન આપનાર દરેકનું હું આદરપૂર્વક અભિવાદન કરું છું અને સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે આની સાથે જોડાયેલા આપ સૌનું નામ પણ સરદારની આ પ્રતિમાની સાથે ઈતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.
સાથીઓ, આજે જે આ સફર એક પડાવ સુધી પહોંચી ગયો છે, તેની યાત્રા આઠ વર્ષ પહેલા આજના દિવસે જ શરુ થઇ હતી. 31 ઓક્ટોબર 2010ના રોજ અમદાવાદમાં મેં આ વિચારને સૌથી પહેલા સૌની સામે રજૂ કર્યો હતો. કરોડો ભારતીયોની જેમ ત્યારે મનમાં એક જ ભાવના હતી કે જે મહાપુરુષે દેશને એક કરવા માટે આટલો મોટો પુરુષાર્થ કર્યો છે, તેમને આ સન્માન જરૂરથી મળવું જોઈએ, જેના તે હકદાર છે. હું ઈચ્છતો હતો કે આ સન્માન પણ તેમને તે ખેડૂત, તે કારીગરના પરસેવાથી મળે, જેના માટે સરદાર પટેલે જીવનભર સંઘર્ષ કર્યો હતો. સાથીઓ, સરદાર પટેલે ખેડાથી બારડોલી સુધી ખેડૂતના શોષણની વિરુદ્ધ માત્ર અવાજ જ ન ઉઠાવ્યો, સત્યાગ્રહ કર્યો, પરંતુ તેનું સમાધાન પણ આપ્યું. આજનું સહકારી આંદોલન જે દેશના અનેક ગામડાઓની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર બની ચૂક્યું છે તે સરદાર સાહેબની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે.
સાથીઓ, સરદાર પટેલનું આ સ્મારક તેમના પ્રત્યે કરોડો ભારતીયોના સન્માન અને દેશવાસીઓના સામર્થ્યનું પ્રતીક તો છે જ, તે દેશની અર્થવ્યવસ્થા રોજગાર નિર્માણનું પણ મહત્વપૂર્ણ સ્થાન બનવા જઈ રહ્યું છે. તેનાથી હજારો આદિવાસી ભાઈ- બહેનોને દર વર્ષે સીધો રોજગાર મળવાનો છે. સાતપુડા અને વિંધ્યના આ ખોળામાં વસેલા આપ સૌ જનોને પ્રકૃતિએ જે કંઈ પણ સોંપ્યું છે તે હવે આધુનિક રૂપમાં તમારા કામમાં આવવાનું છે. દેશે જે જંગલોના વિષયમાં કવિતાઓના માધ્યમથી વાંચ્યું હવે તે જંગલો, તે આદિવાસી પરંપરાઓથી સંપૂર્ણ દુનિયા પ્રત્યક્ષ રૂપે સાક્ષાત્કાર કરવાની છે. સરદાર સાહેબના દર્શન કરનારા પ્રવાસીઓ, સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્ય પર્વતોના દર્શન પણ કરી શકશે. હું ગુજરાત સરકારની પણ પ્રશંસા કરીશ કે તે આ પ્રતિમાની આસપાસના તમામ વિસ્તારોને પ્રવાસી કેન્દ્રના રૂપમાં વિકસિત કરી રહ્યા છે. જે ફૂલોની ઘાટી બની છે વેલી ઑફ ફ્લાવર્સ તે આ સ્મારકના આકર્ષણને હજુ વધારે વધારવાની છે અને હું તો ઈચ્છીશ કે અહિયાં એક એવી નર્સરી બનાવવામાં આવે કે અહિયાં આવનારા દરેક પ્રવાસી એકતા નર્સરીમાંથી એકતા છોડ પોતાના ઘરે લઇ જાય. અને એકતાનું વૃક્ષ વાવે તેમજ પ્રતિ ક્ષણ દેશની એકતાનું સ્મરણ કરતો રહે. સાથે જ, પ્રવાસન અહિંના જન-જનના જીવનને બદલવાનું છે.
સાથીઓ, આ જિલ્લા અને આ ક્ષેત્રનું પારંપરિક જ્ઞાન ખૂબ સમૃદ્ધ થઇ રહ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના લીધે જ્યારે પ્રવાસનનો વિકાસ થશે તો આ જ્ઞાનનો, પરંપરાગત જ્ઞાનનો પણ પ્રચાર થશે. અને આ ક્ષેત્રની એક નવી ઓળખ બનશે. મને વિશ્વાસ છે હું આ વિસ્તાર સાથે જોડાયેલો રહ્યો છું એટલે મને ઘણી વસ્તુઓની જાણકારી છે. કદાચ અહિયાં બેઠેલા કેટલાયને પણ મન થઇ આવે મારા કહ્યા પછી અહિંના ચોખાથી બનેલા ઊના માંડા, તહલા માંડા ઠોકાલા માંડા આ બધા એવા પકવાન છે અહિયાં આવનારા પ્રવાસીઓને ખૂબ ભાવશે, ખૂબ પસંદ આવશે. એ જ રીતે અહિં બહુતાયાતમાં ઉગનારા છોડવા આયુર્વેદ સાથે જોડાયેલ લોકો તેને ખૂબ સારી રીતે જાણે છે. ખાતી ભીંડી એ ચિકિત્સા માટે અનેક ગુણોથી ભરેલી છે અને તેની ઓળખ દૂર-દૂર સુધી પહોંચવાની છે અને એટલા માટે મને ભરોસો છે કે સ્મારક અહિં કૃષિને વધુ સારી બનાવવા, આદિવાસીઓના જીવનને વધુ સારું બનાવવા માટે સંશોધનનું કેન્દ્ર પણ બનશે.
સાથીઓ વીતેલા ચાર વર્ષોમાં દેશના નાયકોના યોગદાનને યાદ કરવાનું એક ઘણું મોટું અભિયાન સરકારે શરુ કર્યું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પણ મારો આ વસ્તુઓ પર આગ્રહ હતો. તે આપણી પુરાતન સંસ્કૃતિ છે, સંસ્કાર છે જેમને લઈને અમે આગળ વધી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઇ પટેલની આ ગગનચુંબી પ્રતિમા હોય. તેમની સ્મૃતિમાં દિલ્હીમાં આધુનિક સંગ્રહાલય પણ અમે બનાવ્યું છે. ગાંધીનગરનું મહાત્મા મંદિર અને દાંડી કુટીર હોય, બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું પંચતીર્થ હોય, હરિયાણામાં ખેડૂત નેતા સર છોટુ રામની હરિયાણાની સૌથી ઊંચી પ્રતિમા હોય. કચ્છના માંડવીમાં આઝાદીના સશસ્ત્ર ક્રાંતિના અગ્રદૂત, ગુજરાતની ધરતીના સંતાન શ્યામજી કૃષ્ણ વર્મા હોય અને આપણા આદિવાસી ભાઈઓ બહેનોના વીર નાયક ગોવિંદ ગુરુનું શ્રદ્ધા સ્થળ હોય, એવા અનેક મહાપુરુષોના સ્મારક વીતેલા વર્ષોમાં અમે તૈયાર કરી ચૂક્યા છીએ.
તે સિવાય નેતાજી સુભાષચંદ્ર બોઝનું દિલ્હીમાં સંગ્રહાલય હોય, છત્રપતિ શિવાજી મહારાજની મુંબઈમાં ભવ્ય પ્રતિમા હોય કે પછી આપણા આદિવાસી નાયકો, દેશની આઝાદીના વીરોની સ્મૃતિમાં સંગ્રહાલય બનાવવાનું કામ હોય, આ બધા જ વિષયો પર અમે ઈતિહાસને પુનર્જીવિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. બાબાસાહેબના યોગદાનને યાદ કરીને 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ વ્યાપક રૂપે ઉજવવાનો નિર્ણય હોય કે પછી નેતાજીના નામ પર રાષ્ટ્રીય સન્માન શરુ કરવાની જાહેરાત હોય, તે અમારી જ સરકારે આ બધી બાબતોની શરૂઆત કરી છે. પરંતુ સાથીઓ, અનેક વાર તો મને નવાઈ લાગે છે જ્યારે દેશમાં જ કેટલાક લોકો અમારી આ ઝુંબેશને રાજનીતિના ચશ્માં ચડાવીને જોવાનું દુ:સાહસ કરે છે.
સરદાર પટેલ જેવા મહાપુરુષો દેશના સપૂતોની પ્રશંસા કરવા માટે પણ ખબર નહી અમારી ટીકા કેમ કરવામાં આવે છે. એવો અનુભવ કરાવવામાં આવે છે કે જાણે અમે બહુ મોટો અપરાધ કરી નાખ્યો હોય. હું તમને પૂછવા માંગું છું કે શું દેશના મહાપુરુષોને યાદ કરવા એ અપરાધ છે ? સાથીઓ, અમારો પ્રયત્ન છે કે ભારતના દરેક રાજ્યના નાગરિક, દરેક નાગરિકનો પુરુષાર્થ સરદાર પટેલના વિઝનને આગળ વધારવામાં પોતાના સામર્થ્યનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે. ભાઈઓ અને બહેનો સરદાર પટેલે સ્વતંત્ર ભારતમાં જે રીતના ગામડાની કલ્પના કરી અને તેનો ઉલ્લેખ તેમણે આઝાદીના ત્રણ ચાર મહિના પહેલા વિઠ્ઠલભાઈ પટેલ કોલેજની સ્થાપના દરમિયાન કર્યો હતો અને સરદાર સાહેબે કહ્યું હતું કે તે કોલેજના નિર્માણના સમયે કે આપણે આપણા ગામડાઓમાં ખૂબ જ કઢંગી રીતે ઘરોના નિર્માણ કરી રહ્યા છીએ, રસ્તાઓ પણ કઈ પણ વિચાર્યા વગર બનાવવામાં આવી રહ્યા છે અને ઘરોની સામે ગંદકીનો ભંડાર રહે છે. સરદાર સાહેબે ત્યારે ગામડાઓને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા માટે, ધુમાડાં અને ગંદકીથી મુક્ત કરવા માટેનું આહવાન કર્યું હતું. મને ખુશી છે કે જે સપનું સરદાર સાહેબે જોયું હતું દેશ આજે તેને પૂરું કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. જન ભાગીદારીના લીધે હવે દેશમાં ગ્રામીણ સ્વચ્છતાનો વ્યાપ 95 ટકા સુધી પહોંચી ગયો છે.
ભાઈઓ અને બહેનો સરદાર પટેલ ઈચ્છતા હતા કે ભારત સશક્ત, સદ્ર, સંવેદનશીલ, સતર્ક અને સમાવેશી બને. અમારા તમામ પ્રયાસો તેમના આ જ સપનાને સાકાર કરવાની દિશામાં થઇ રહ્યા છે. અમે દેશના દરેક બેઘરને પાકું મકાન આપવાની ભગીરથ યોજના પર કામ કરી રહ્યા છીએ. અમે તે 18,000 ગામડાઓ સુધી વીજળી પહોંચાડી છે જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વીજળી નહોતી પહોંચી. અમારી સરકાર સૌભાગ્ય યોજના અંતર્ગત દેશના દરેક ઘર સુધી વીજળીનું જોડાણ પહોંચાડવા માટે દિવસ રાત કામમાં લાગેલી છે. દેશના દરેક ગામને રસ્તા સાથે જોડવું, ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક સાથે જોડવું, ડિજિટલ કનેક્ટિવિટી સાથે જોડવાનું કામ આજે ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. દેશમાં આજે દરેક ઘરમાં ગેસનો ચૂલો હોય, ગેસનું જોડાણ પહોંચે તેના પ્રયાસની સાથે જ દેશના દરેક ઘરમાં શૌચાલયની સુવિધા પહોંચાડવા પર કામ થઇ રહ્યા છે.
સરકારે દુનિયાની સૌથી મોટી, જ્યારે હું દુનિયાના લોકોને કહું છું તો તેમને આશ્ચર્ય થાય છે અમેરિકાની જનસંખ્યા, મેક્સિકોની જનસંખ્યા, કેનેડાની જન સંખ્યા આ બધાને ભેળવી દઈએ અને જેટલી કુલ વસ્તી થાય છે તેના કરતા વધુ લોકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત યોજના, લોકો તો ક્યારેક તેને મોદી કેર પણ કહે છે. આ સ્વસ્થ ભારતનું નિર્માણ કરવામાં મદદ કરનારી યોજના છે. તે ભારતને આયુષ્માન કરનારી યોજના છે. સમાવેશી અને સશક્ત ભારતના લક્ષ્યને પૂરું કરવાનો પ્રયત્નનો અમારો આધાર અમારા ધ્યેય મંત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ એ જ અમારો ધ્યેય મંત્ર છે.
ભાઈઓ અને બહેનો સરદાર સાહેબે રજવાડાઓને જોડીને દેશનું રાજનૈતિક એકીકરણ કર્યું. ત્યાં જ અમારી સરકારે જીએસટીના માધ્યમથી દેશનું આર્થિક એકીકરણ કર્યું છે. એક દેશ, એક કરનું સપનું સાકાર કર્યું છે. અમે ભારત જોડોના સરદાર સાહેબના પ્રણને નિરંતર વિસ્તૃત કરતા જઈ રહ્યા છીએ. પછી ભલે તે દેશના મોટા કૃષિ બજારોને જોડનારી ઇનામ યોજના હોય, વન નેશન વન ગ્રીડનું કામ હોય કે પછી ભારતમાળા, સેતુભારતમ, ભારત નેટ જેવા અનેક કાર્યક્રમ અમારી સરકાર દેશને જોડીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સરદાર સાહેબના સપનાને સાકાર કરવામાં લાગેલી છે.
સાથીઓ, આજે દેશ માટે વિચારવાવાળા યુવાનોની શક્તિ આપણી પાસે છે. દેશના વિકાસ માટે આ જ એક રસ્તો છે, જેને લઈને સૌ દેશવાસીઓને આગળ વધવાનું છે. દેશની એકતા, અખંડીતતા અને સાર્વભૌમત્વને જાળવી રાખવાની એક એવી જવાબદારી છે જે સરદાર વલ્લભભાઇ પટેલે આપણને ભારતીયોને સોંપીને ગયા છે. આપણી જવાબદારી છે કે આપણે દેશને વિભાજીત કરવાની દરેક પ્રકારની કોશિશને સખ્ત શબ્દોમાં જવાબ આપીએ અને એટલા માટે આપણે દરેક રીતે સતર્ક રહેવાનું છે, સમાજ તરીકે એક જૂથ રહેવાનું છે. આપણે એ પ્રણ લેવાનું છે કે આપણે આપણા સરદારના સંસ્કારોને સંપૂર્ણ પવિત્રતાની સાથે આવનારી પેઢીઓમાં પણ ઉતારવામાં કોઈ પણ જાતની ખામી નહીં રાખીએ.
સાથીઓ, સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા હતા કે દરેક ભારતીયને અને હું સરદાર સાહેબનું વાક્ય સંભળાવી રહ્યો છું તમને, સરદાર સાહેબ કહેતા હતા – “દરેક ભારતીયએ એ ભૂલવું પડશે કે તે કોઈ જાતિ કે વર્ગમાંથી આવે છે, તેણે માત્ર એક જ વાત યાદ રાખવાની છે કે તે ભારતીય છે અને જેટલો આ દેશ પર અધિકાર છે તેટલા કર્તવ્યો પણ છે.” સરદાર સાહેબની શાશ્વત ભાવના આ બુલંદ પ્રતિમાની જેમ હંમેશા આપણને પ્રેરણા આપતી રહે. એ જ કામના સાથે એક વાર ફરીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે કે જે માત્ર ભારતવાસીઓની જ ઘટના નથી અહિં આખી દુનિયાને આટલી મોટી પ્રતિમા, દુનિયા માટે અચરજની વાત છે અને એટલા માટે સમગ્ર વિશ્વનું ધ્યાન આજે માતા નર્મદાના તટે આકર્ષિત કર્યું છે. તેની સાથે જોડાયેલા દરેક સાથીઓને હું અભિનંદન આપું છું. આ સપનાને સાકાર કરવા માટે લાગેલા તમામને અભિનંદન આપુ છું. મા નર્મદા અને તાપીની ઘાટીઓમાં વસેલા દરેક આદિવાસી ભાઈ-બહેન યુવાન સાથીઓને પણ વધુ સારા ભવિષ્યની હું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
સમગ્ર દેશ આ અવસર સાથે જોડાયેલો છે, વિશ્વભરના લોકો આજે આ અવસર પર જોડાયા છે અને આટલા મોટા ઉમંગ અને ઊર્જા સાથે એકતાના મંત્રને આગળ લઇ જવા માટે આ એકતા તીર્થ તૈયાર થયું છે. એકતાની પ્રેરણાનું પ્રેરણાબિંદુ આપણને અહિંથી પ્રાપ્ત થઇ રહ્યું છે. એ જ ભાવના સાથે આપણે ચાલીએ અને બીજાઓને પણ ચલાવીએ, આપણે જોડાઈએ અને અન્યોને પણ જોડીએ અને ભારતને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવાનું સપનું લઇને ચાલીએ.
મારી સાથે બોલો,
સરદાર પટેલ – જય હો
સરદાર પટેલ – જય હો
દેશની એકતા - જિંદાબાદ.
દેશની એકતા – જિંદાબાદ
દેશની એકતા – જિંદાબાદ
દેશની એકતા – જિંદાબાદ
દેશની એકતા – જિંદાબાદ
ખૂબ-ખૂબ આભાર!
NP/J.Khunt/GP/RP