Responsive image

Press Information Bureau

Government of India

Prime Minister's Office

સરદાર પટેલની 142મી જન્મજયંતી નિમિત્તે આયોજીત એકતા દોડમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મુળપાઠ

Posted On :31, October 2017 10:33 IST

ભારત માતા કી જય

સરદાર પટેલ અમર રહો, અમર રહો

વિશાળ સંખ્યામાં પધારેલા મહાભારતીનાં મારા પ્યારા લાડલા તમામ યુવાન સાથીઓ. આજે 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. આજે 31મી ઓક્ટોબરે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતિ ઇન્દિરા ગાંધીની પણ પૂણ્યતિથિ છે. આજે સમગ્ર દેશમાં સરદાર સાહેબની જન્મ જયંતીનું સ્મરણ કરતા એ મહાપુરુષે દેશની આઝાદી માટે જે રીતે પોતાનું જીવન હોમી દીધું. એ મહાપુરુષે દેશની આઝાદી પછી સંકટનાં સમયે, ભાગલાનાં વાતાવરણમાં, આંતરિક સંઘર્ષની ચરમસીમા વચ્ચે પોતાના કૌશલ્ય વડે, પોતાની દૃઢ શક્તિ દ્વારા, પોતાની સર્વોત્તમ ભારત ભક્તિ દ્વારા એમણે ભારતને માત્ર સ્વતંત્રતાનાં સમયે પેદા થયેલા સંકટોથી જ બચાવ્યું ન હતું પરંતુ એમણે સેંકડો રજવાડાઓને પણ બચાવ્યા હતા જેમાં અંગ્રેજોનો ઇરાદો હતો કે તેમના ગયા બાદ ભારત દેશ વિખેરાઈ જાય, નાના નાના રજવાડાઓમાં વહેંચાઈ જાય. ભારતનું નામો-નિશાન ન રહે. આ સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ દેશને કામ આવ્યો. એ સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘ દૃષ્ટિ હતી કે, તેમણે સામ, દામ, દંડ, ભેદ તમામ પ્રકારની નીતિ, કૂટનીતિ, રણનીતિનો ઉપયોગ કરીને ઘણા ટૂંકા સમયમાં દેશને એકસૂત્રતાનાં બંધનમાં બાંધી દીધો. સરદાર વલ્લભભાઈ પટેલ, કદાચ આપણા દેશની નવી પેઢીને એમનાથી પરિચિત જ કરાવામાં આવી નથી. એક રીતે ઇતિહાસનાં પાનાઓમાંથી આ મહાપુરૂષનાં નામને મિટાવી દેવાનો પ્રયાસ થયો હતો અથવા એમનું નામ નાનું કરી નાખવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે, સરદાર સાહેબ, સરદાર સાહેબ હતા. કોઈ શાસન એમને સ્વિકૃતિ આપે કે ન આપે, કોઈ રાજકીય પક્ષ તેમનાં મહાત્મ્યનો સ્વીકાર કરે કે ન કરે પરંતુ આ દેશ કે દેશની યુવાન પેઢી એક પળ માટે પણ સરદાર સાહેબને ભૂલવા તૈયાર નથી. તેમને ઇતિહાસમાંથી અદૃશ્ય થવા દેવા તૈયાર નથી અને તેનું જ પરિણામ છે કે જ્યારે દેશે અમને સેવા કરવાની તક આપી છે તો અમે દેશની સામે સરદાર પટેલની જયંતીને એક વિશેષરૂપે મનાવીને એ મહાપુરૂષનાં એ ઉત્તમ કાર્યોને પેઢી દર પેઢી સુધી યાદ રહે અને તે માટે જ અમે રન ફોર યુનિટી ‘એકતા માટે દોડ’નું અભિયાન ચલાવી રહ્યા છીએ, અને મને આનંદ છે કે, દેશની યુવા પેઢી ઉત્સાહભેર આ એકતાની દોડમાં ભાગ લઈ રહી છે.

એક વાર આપણા દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું અને તેમના શબ્દો આપણને સૌને વિચારવા માટે મજબૂર કરી દે છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુએ કહ્યું હતું કે, આજે વિચારવા માટે અને બોલવા માટે આપણી પાસે ભારતનું નામ, ભારત નામનો દેશ ઉપલબ્ધ છે. આ સરદાર વલ્લભભાઈ પટેલની કાબેલિયત અને પ્રશાસન ઉપર તેમની જોરદાર પકડને કારણે શક્ય બન્યું છે, અને આગળ કહ્યું હતું કે, આવો દેશ હોવા છતાં આપણે ખૂબ જ જલદીથી સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલી ગયા છીએ. રાજેન્દ્ર બાબુ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ સરદાર સાહેબને ભુલાવી દેવા અંગેની આ પીડા વ્યક્ત કરી હતી. આજે સરદાર સાહેબની 31મી ઓક્ટોબરે એકતાની દોડની સાથે જન્મ જયંતી મનાવી રહ્યા છીએ ત્યારે રાજેન્દ્ર બાબુનો આત્મા જ્યાં પણ હશે તેમને સંતોષ થશે કે, ભલે કેટલાક ગણ્યાં ગાંઠ્યા લોકોએ સરદાર સાહેબને ભુલાવી દેવાનો ભરપુર પ્રયાસ કર્યો હશે પરંતુ સરદાર સાહેબ આ દેશનાં આત્મામાં બિરાજમાન છે. તેઓ ફરીથી આપણી સામે આ યુવાન સંકલ્પ સાથે ઉભરીને આવ્યા છે અને આપણને નવી પ્રેરણા આપી રહ્યા છે.

ભારત વિશિષ્ટતાઓથી ભરેલો દેશ છે. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે તે મંત્ર આપણે બોલતા આવ્યા છીએ, એ મંત્ર ગૂંજતો રહ્યો છે, પરંતુ જ્યાં સુધી આપણે એ વિવિધતાને સન્માન નહીં આપીએ, આદર નહીં કરીએ આપણી વિવિધતા પ્રત્યે ગર્વ નહીં કરીએ આપણી વિવિધતામાં એકતાનાં સામર્થ્ય સાથે આપણે પોતાની જાતને આત્મિક રૂપથી સાંકળીશું નહીં તો વિવિધતા કદાચ શબ્દોમાં જ રહી જશે, પરંતુ રાષ્ટ્રનાં ભવ્ય નિર્માણ માટે આપણે તેનો એટલો ઉપયોગ કરી શકીશું નહીં. દરેક ભારતવાસી આ વાત માટે ગર્વ લઈ શકે છે કે, વિશ્વ સમક્ષ આપણે અત્યંત ગર્વ સાથે કહી શકીએ છીએ કે વિશ્વનો દરેક પંથ, દરેક પરંપરા, દરેક આચાર વિચાર એ તમામને કોઈને કોઈ સ્વરૂપે આ ભારત દેશ પોતાનામાં સમાવીને બેઠો છે. બોલીઓ અનેક છે, પહેરવેશ અનેક છે, ખાણીપીણીની રીતો અનેક છે, માન્યતાઓ અલગ છે, દૃઢ છે અને તેમ છતાં દેશ માટે એક રહેવું, દેશ માટે નેક (પ્રામાણિક) રહેવું એ આપણે આપણા સાંસ્કૃતિક વારસામાંથી શીખ્યા છીએ. આજે દુનિયામાં એક જ પંથ અને પરંપરામાં ઉછરેલા લોકો એકબીજીને જીવતા નિહાળવા માટે તૈયાર નથી. એકબીજાને મોતને ઘાટ ઉતારવા માટે તલપાપડ છે. દુનિયાને હિંસામાં ધકેલીને પોતાની માન્યતાઓનો પ્રભાવ વધારવા માટે આજે 21મી સદીમાં પણ કેટલાક લોકો લાગેલા છે. આવા સમયે હિન્દુસ્તાન ગર્વ સાથે કહી શકે છે કે અમે એ દેશ છીએ, અમે એ હિન્દુસ્તાની છીએ, જે દુનિયાની તમામ માન્યતાઓને, પરંપરાઓને, પંથને પોતાની અંદર સમાવીને એકતાનાં સૂત્રમાં બંધાયેલો છે. આ આપણો વારસો છે, આ આપણી તાકાત છે. આ આપણા ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ છે. અને આપણા લોકોની ફરજ બને છે, ભાઈ અને બહેનના પ્રેમને કોઈ ઓછો આંકતા નથી. ભાઈ અને બહેન ને એકબીજા માટે ત્યાગ કરવો તે બાબત સહજ પ્રવૃત્તિ, પ્રકૃતિ હોય છે. તેમ છતાં આ સંસ્કાર સરિતાને આગળ ધપાવવા માટે આપણે રક્ષા બંધનનું પર્વ મનાવીએ છીએ. ભાઈ અને બહેનનાં સંબંધને દર વર્ષે સંસ્કારિતા પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. આવી જ રીતે દેશની એકતા, દેશનો સાંસ્કૃતિક વારસો સામર્થ્યવાન હોવા છતાં દર વખતે આપણે તેને ફરીથી સંસ્કારિત કરવો જરૂરી હોય છે. વારંવાર એકતાનાં મંત્રને યાદ કરવો જરૂરી બની જાય છે. વારંવાર એકતા માટે જીવનનો સંકલ્પ જરૂરી બની જાય છે.

દેશ વિશાળ છે, પેઢીઓ બદલાતી રહે છે. ઇતિહાસની દરેક ઘટનાની ખબર હોતી નથી. ત્યારે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશમાં હર ક્ષણે એકતાનાં મંત્રને ગૂંજતો રાખવો, દરેક ક્ષણે એકતાનો માર્ગ શોધતા રહેવું, દર ક્ષણે એકતાને મજબૂત કરતા ઉપાયો સાથે સંકળાયેલા રહેવું ભારત જેવા દેશ માટે અનિવાર્ય છે. આપણો દેશ એક રહે, અખંડ રહે, સરદાર સાહેબે આપણને જે દેશ આપ્યો છે, તેની એકતા અને અખંડિતતા સવા સો કરોડ દેશવાસીઓની ફરજ છે. સવા સો કરોડ દેશવાસીઓની જવાબદારી છે, અને તેથી સરદાર પટેલનું પૂણ્ય સ્મરણ દેશની એકતા માટે તેમણે જે ભગીરથ કાર્ય કર્યું છે તેની સાથે જોડીને કરવું જોઇએ. એમણે કેવી રીતે દેશને એક કર્યો હતો. દરેક પેઢીને આ વાતની ખબર હોવી જોઇએ અને આ વાત માટે જ આજે 31મી ઓક્ટોબરે આપણે સરદાર પટેલની જન્મ જયંતી મનાવી રહ્યા છીએ. આઠ વર્ષ બાદ સરદાર સાહેબની જન્મ જયંતીને 150 વર્ષ થશે ત્યારે આપણે દેશને એકતા માટે કયું નવું ઉદાહરણ આપીશું. દરેક માનવની અંદર એકતાનાં આ ભાવને કેવી રીતે મજબૂત કરીશું. આ સંકલ્પ લઈને આપણે આગળ વધવાનું છે.

2022માં આઝાદીના 75 વર્ષ થઈ રહ્યા છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ નેતાજી સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અગણિત દેશભક્તો, અગણિત લક્ષાવધિ દેશભક્તો, દેશ માટે જીવ્યા અને દેશ માટે મર્યા. 2022 આઝાદીના 75 વર્ષ થઈ રહ્યા છે ત્યારે આપણે પણ એક સંકલ્પને હૃદયમાં સંઘરી લઈએ, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે કામે લાગી જઇએ. દરેક હિન્દુસ્તાનીનો કોઈ એક સંકલ્પ હોવો જોઇએ. દરેક હિન્દુસ્તાનીએ એ સંકલ્પને સાકાર કરવા માટે ભરપુર પ્રયાસ કરવો જોઇએ. એ સંકલ્પ, જે સમાજની ભલાઈ માટે હોય. એ સંકલ્પ, જે દેશના કલ્યાણ માટે હોય. એ સંકલ્પ, જે દેશની ગરીમાને ઉપર લાવવા માટે હોય. એ પ્રકારના સંકલ્પને આપણે આપણી સાથે જોડીએ, આજે ભારતની આઝાદીનાં વીર સુપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જંયતીએ 2022 માટે આપણે એક સંકલ્પ કરીએ અને હું માનું છું કે આ સમયની માંગ છે.

તમે આટલી મોટી વિશાળ સંખ્યામાં આવ્યા છો. ઉમંગ અને ઉત્સાહ સાથે પધાર્યા છો. દેશભરમાંથી પણ નવયુવાનો જોડાયા છે.. હું તમને બધાને રાષ્ટ્રીય એકતા દિવસ પર શપથ લેવા માટે આમંત્રિત કરૂ છું. આપણે બધા સરદાર વલ્લભભાઈ પટેલનું પૂણ્ય સ્મરણ કરીને હું જે શપથ તમારી સામે પ્રસ્તુત કરૂ છું, તમે બધા તેનું પુનરાવર્તન કરજો અને માત્ર વાણીથી નહીં પરંતુ મનમાં સંકલ્પ ધારણ કરજો. એ ભાવ સાથે તેનું પુનરાવર્તન કરજો તમે બધા તમારો જમણો હાથ આગળ ધરીને મારી વાતનું પુનરાવર્તન કરજો. હું સત્ય નિષ્ઠા સાથે શપથ લઉં છું કે, હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને ટકાવી રાખવા માટે મારી જાતને સમર્પિત કરી દઇશ અને દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે પણ ભરપુર પ્રયાસ કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જેને સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા અને કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયો. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારૂ પોતાનું યોગદાન આપવા માટે પણ સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરૂ છું.

ભારત માતા કી જય

ભારત માતા કી જય

ખૂબ ખૂબ આભાર

NP/J.Khunt/GP/RP