independenceday-2016

Press Information Bureau

Government of India

Prime Minister's Office

આઈઆઈટી બોમ્બેના 56માં પદવિદાન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

Posted On :11, August 2018 14:09 IST

 

આજે 11 ઓગસ્ટ છે. 110 વર્ષ પહેલા દેશની આઝાદી માટે આજના જ દિવસે ખુદીરામ બોઝે માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દીધું હતું. હું એ વીર ક્રાંતિકારીને નમન કરું છું, દેશ તરફથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

સાથીઓ,

આઝાદી માટે જેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, પોતાનું બધું જ સમર્પિત કર્યું, તેઓ અમર થઈ ગયા, તેઓ પ્રેરણાની મૂર્તિ બની ગયા. પણ આપણે એ લોકો છીએ જેમને આઝાદી માટે મરવાનું સૌભાગ્ય નથી મળ્યું, પરંતુ આપણું એ પણ સૌભાગ્ય છે કે આપણે આઝાદ ભારતને માટે જીવી શકીએ છીએ, આપણે દેશની આઝાદીના રાષ્ટ્રના નવનિર્માણ માટે જીવી જઈને જિંદગીનો એક નવો આનંદ માણી શકીએ છીએ. આજે હું મારી સામે, તમારી અંદર, તમારા ચહેરા ઉપર જે ઉત્સાહ જોઈ રહ્યો છું, જે આત્મવિશ્વાસ જોઈ રહ્યો છું, તે આશ્વસ્ત કરનારો છે કે આપણે સાચા રસ્તા પર આગળ વધી રહ્યા છીએ.

સાથીઓ,

આઈઆઈટી બોમ્બે સ્વતંત્ર ભારતની એ સંસ્થાનોમાંથી એક છે જેની પરિકલ્પના ટેકનોલોજીના માધ્યમથી રાષ્ટ્રનિર્માણને નવી દિશા આપવા માટે કરવામાં આવી હતી. વીતેલા 60 વર્ષોથી તમે સતત તમારા આ મિશન સાથે જોડાયેલા છો. 100 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સફર આજે 10 હજાર સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન તમે તમારી જાતને દુનિયાના ટોચના સંસ્થાનોમાં સ્થાપિત પણ કરી છે. આ સંસ્થાન પોતાની હીરક જયંતી ઉજવી રહ્યું છે, ડાયમંડ જ્યુબીલી. પરંતુ તેના કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે તે બધા જ હીરાઓ જેઓ આજે અહિં મારી સમક્ષ બેઠા છે. જેમને આજે દીક્ષા પ્રાપ્ત થઇ રહી છે અને જેઓ અહિંથી દીક્ષા પ્રાપ્ત કરીને સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આજે આ અવસર પર સૌથી પહેલા હું પદવિ મેળવનારા દેશ-વિદેશના વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, તેમનું અભિવાદન કરું છું. આજે અહિયાં ડૉક્ટર રમેશ વાધવાનીજીને ડૉક્ટર ઑફ સાયન્સની ઉપાધી પણ આપવામાં આવી છે. ડૉક્ટર વાધવાનીને પણ મારા તરફથી ખૂબ-ખૂબ અભિનંદન. રમેશજીએ ટેકનોલોજીને જન સામાન્યની જરૂરિયાતો સાથે જોડવા માટે આજીવન કામ કર્યું છે. વાધવાની ફાઉન્ડેશનના માધ્યમથી તેમણે દેશમાં યુવાનો માટે રોજગાર નિર્માણ, કૌશલ્ય, નવીનીકરણ અને ઉદ્યોગ સાહસિકતાનો માહોલ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. એક સંસ્થાન તરીકે તે તમારા સૌને માટે પણ ગૌરવનો વિષય છે કે અહિયાંથી નીકળેલા વાધવાનીજી જેવા અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજે દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. વીતેલા 6 દસકાના સતત પ્રયત્નોનું જ આ પરિણામ છે કે આઈઆઈટી બોમ્બેએ દેશની પસંદ કરાયેલી પ્રતિષ્ઠિત સંસ્થાનો (ઇન્સ્ટીટ્યુશનસ ઑફ એમીનન્સ)માં પોતાની જગ્યા બનાવી છે. અને હમણાં જ તમને જણાવવામાં આવ્યું કે તમને હવે એક હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ મળવાની છે કે જે આવનારા સમયમાં અહિનાં માળખાકિય વિકાસમાં કામ આવનારી છે. તેના માટે પણ હું તમને અને પૂરી આ ટીમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

દેશને આઈઆઈટી અને આઈઆઈટીના સ્નાતકોએ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેના પર ગર્વ છે. આઈઆઈટીની સફળતાએ સમગ્ર દેશમાં અનેકવિધ એન્જીનિયરીંગ કોલેજોની સ્થાપનાને પ્રેરણા આપી છે. તેઓ આઈઆઈટીથી પ્રેરિત છે અને તેના લીધે ભારત આજે તકનીકી માનવશક્તિ માટે વિશ્વનું સૌથી મોટું સ્થળ બની રહ્યું છે. આઈઆઈટીઓએ વૈશ્વિક સ્તરે બ્રાંડ ઇન્ડિયાનું નિર્માણ કર્યું છે અને આ તેમણે વીતેલા વર્ષોમાં કર્યું છે. આઈઆઈટી સ્નાતકો અમેરિકા ગયા અને ત્યાં તેઓ નિષ્ણાત બન્યા; સૌપ્રથમ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ તરીકે અને ત્યારબાદ વિવિધ સંસ્થાઓમાં ટેકનોલોજીનાં નિષ્ણાતો, ઉદ્યોગસાહસિકો અને અધિકારીઓ તરીકે તેમણે નામના મેળવી છે. આઈઆઈટીનાં વિદ્યાર્થીઓનો એક બહોળો સમુદાય છે કે જેમણે ભારતમાં એક-એક ઈંટ વડે આઈટી ક્ષેત્રનું નિર્માણ કર્યું,.. અથવા હું એવું કહેવા માંગીશ કે એક-એક ક્લિક વડે. અગાઉ આઈટી ક્ષેત્રમાં ભારતીયોને મહેનતુ અને હોંશિયાર માનવામાં આવતા હતા પરંતુ મુખ્યત્વે બીજા દેશોની અંદર, ખાસ કરીને અમેરિકામાં. પરંતુ હવે ભારત આઈટી વિકાસ માટેનું એક મુકામ બની ચૂક્યું છે.

અને આજે આઈઆઈટીના સ્નાતકો ભારતમાં કેટલાક શ્રેષ્ઠ સ્ટાર્ટ અપમાં સૌથી આગળની હરોળમાં જોવા મળી રહ્યા છે. આ એવા સ્ટાર્ટ અપ છે કે જેઓ દેશની ઘણી બધી સમસ્યાઓને ઉકેલવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. એવા લોકોને માટે કે જેઓ સ્ટાર્ટ અપ મિશનમાં કામ કરી રહ્યા છે અથવા તો કોલેજ પૂરી થયા બાદ શરુ કરવાનું આયોજન કરી રહ્યા છે તેઓ એક વાત હંમેશા કૃપા કરીને યાદ રાખજો કે આજના સૌથી મોટા કોર્પોરેશનો એ ગઈકાલના સ્ટાર્ટ અપ હતા. તેઓ સખત મહેનત અને ઉદ્યોગસાહસિકતાનાં બનેલા આદર્શવાદનું પરિણામ છે. આગળ વધતાં રહો, હાર માનશો નહિં, તમે જરૂર સફળ થશો.

તમે ભાગ્યશાળી છો કે મુંબઈ જેવા શહેરમાં તમે આવા પરિસરમાં રહ્યા છો. તમારી એક બાજુ તળાવ છે અને પહાડો પણ છે. કોઈ-કોઈ વાર તમે તમારું પરિસર મગર અને ચિત્તાઓ સાથે પણ વહેંચો છો. હજુ હમણાં ઓગસ્ટ ચાલી રહ્યો છે પરંતુ મને ખાતરી છે કે આજનો મૂડ ઈન્ડિગો છે. મને ખાતરી છે કે તમારા સૌને માટે છેલ્લા ચાર વર્ષો એ શીખવા માટેનો અદભુત અનુભવ રહ્યો હતો.

પાછળ વળીને જોવા માટે ઘણા બધા બનાવો છે અને કોલેજના ઉત્સવો, આંતર હોસ્ટેલ રમતો, વિદ્યાર્થી અને અદ્યાપકો વચ્ચેનું સામંજસ્ય વગેરે યાદ કરવા માટે છે. શું મે અભ્યાસનો ઉલ્લેખ પણ કર્યો? અહિં તમે એ વસ્તુઓ મેળવી છે કે જે આપણી શિક્ષણ વ્યવસ્થા દ્વારા અપાનારી સૌથી શ્રેષ્ઠ વસ્તુ માનવામાં આવે છે. અહીંના વિદ્યાર્થીઓ ભારતની વિવિધતાને પ્રસ્તુત કરે છે. જુદા-જુદા રાજ્યોમાંથી, જુદી-જુદી ભાષાઓ બોલનારા, જુદા-જુદા પરિવેશમાંથી આવનારા તમે સૌ જ્ઞાન અને શિક્ષણની શોધમાં અહિં એકત્રિત થયા છો.

સાથીઓ,

આઈઆઈટી બોમ્બે દેશની એ સંસ્થાનોમાંની એક છે જે નવા ભારતની નવી ટેકનોલોજી માટે કામ કરી રહી છે. આવનારા બે દસકાઓમાં દુનિયાનો વિકાસ કેટલો અને કેવો થશે, તે નવીનીકરણ અને નવી ટેકનોલોજી નક્કી કરશે. એવામાં તમારા આ સંસ્થાનની, આઈઆઈટીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. ભલે તે 5જી બ્રોડબેન્ડ ટેકનોલોજી હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, બ્લોક ચેઈન ટેકનોલોજી હોય, બીગ ડેટા એનાલીસીસ હોય કે પછી મશીન શિક્ષણ, આ તે ટેકનોલોજીઓ છે કે જે આવનારા સમયમાં સ્માર્ટ ઉત્પાદન અને સ્માર્ટ શહેરના વિઝન માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે.

હમણાં થોડા જ સમય પછી જે નવા ભવનનું ઉદઘાટન થશે, તે પણ આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ આ નવા ભવનમાં કાર્યરત થશે. એ બાબતને ધ્યાનમાં રાખતા કે ઊર્જા અને પર્યાવરણ દેશ અને દુનિયા માટે સૌથી મોટો પડકાર છે અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અહિં આ બંને ક્ષેત્રોમાં સંશોધન માટે વધુ સારો માહોલ તૈયાર થશે.

મને જણાવવામાં આવ્યું છે કે આ ઈમારતમાં એક સૌર લેબ પણ સ્થાપિત કરવામાં આવી રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને સૌર ઊર્જા સાથે જોડાયેલ સંશોધનમાં પણ સુવિધા મળી રહેશે. સૌર ઊર્જા સિવાય જૈવિઈંધણ પણ આવનારા સમયમાં સ્વચ્છ ઊર્જાનો એક ઘણો મોટો સ્રોત સિદ્ધ થવાનું છે. મે ગઈ કાલે દિલ્હીમાં વિશ્વ જૈવઈંધણ દિવસના અવસર પર પણ કહ્યું હતું કે તેની સાથે જોડાયેલી ટેકનોલોજીને લઈને એન્જીનિયરીંગના નાનાથી લઈને મોટા સંસ્થાનોમાં અભ્યાસ થાય, સંશોધન થાય એ જરૂરી છે.

સાથીઓ,

આઈઆઈટીને દેશ અને દુનિયા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીના રૂપમાં ઓળખે છે. પરંતુ આજે આપણા માટે તેની પરિભાષા થોડી બદલાઈ ગઈ છે. તે માત્ર ટેકનોલોજીના અભ્યાસ સાથે જોડાયેલા સ્થાનો માત્ર નથી રહ્યાં, પરંતુ આઈઆઈટી આજે ભારતમાં પરિવર્તનના સાધનો બની ગયા છે. આપણે જ્યારે પરિવર્તનની વાત કરીએ છીએ તો સ્ટાર્ટ અપની જે ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, તેનો એક ઘણો મોટો સ્રોત આપણા આઈઆઈટી છે. આજે દુનિયા આઈઆઈટીને યુનિકોર્ન સ્ટાર્ટ અપની નર્સરી તરીકે જોઈ રહી છે. એટલે કે એવા સ્ટાર્ટ અપ જે અત્યારે ભારતમાં શરુ થઇ રહ્યા છે અને ભવિષ્યમાં જેની કિંમત એક અરબ ડોલરથી વધુની થવાની સંભાવના જણાઈ રહી છે. આ એક પ્રકારે ટેકનોલોજીનું દર્પણ છે, જેમાં દુનિયાને ભવિષ્ય દેખાઈ રહ્યું છે.

સાથીઓ,

આજે દુનિયાભરમાં જેટલા પણ બિલિયન ડોલર સ્ટાર્ટ અપ છે, તેમાં ડઝનબંધ એવા છે જેમને આઈઆઈટીમાંથી નીકળેલા લોકોએ સ્થાપિત કર્યા છે. આજે મારી સામે હું ભવિષ્યના આવા અનેક યુનિકોર્ન સંસ્થાપકોને જોઈ રહ્યો છું.

મિત્રો,

નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા ભારતને એક વિકસિત અર્થતંત્ર બનાવવા માટેનાં મહત્વના આધારસ્તંભો બનવા જઈ રહ્યા છે. એક લાંબા ગાળાનો સંતુલિત ટેકનોલોજી આધારિત આર્થિક વિકાસ એ આવા પાયા પર જ શક્ય બની શકે તેમ છે.

આ જ કારણ છે કે અમે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન જેવા અભિયાન શરૂ કર્યા છે જેના પરિણામો હવે મળી રહ્યાં છે. આજે ભારત સ્ટાર્ટ અપના ક્ષેત્રમાં દુનિયાની બીજી સૌથી મોટી પ્રણાલી છે. 10 હજારથી વધુ સ્ટાર્ટ અપને દેશમાં વિકસિત કરવામાં આવી રહ્યા છે અને તેના માટે ભંડોળની પણ એક વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સાથીઓ,

આજે ઇનોવેશન ઇન્ડેક્સના ક્રમાંકમાં આપણે સતત ઉપર ચઢી રહ્યા છીએ. તેનો અર્થ એ છે કે શિક્ષણથી લઈને પર્યાવરણ સુધીનો આપણો જે સમગ્રતયા અભિગમ છે તેનું પરિણામ આજે દુનિયાની સામે આવી રહ્યું છે. દેશમાં વૈજ્ઞાનિક વાતાવરણ વિકસિત કરવા માટે, સંશોધનનો માહોલ બનાવવા માટે ઉચ્ચ શિક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

નવીનીકરણ એ 21મી સદીનો સૌથી વધુ ચર્ચાતો શબ્દ છે. કોઈ પણ સમાજ કે જે નવીનીકરણ નથી કરતો તે સ્થગિત બની જશે. ભારત સ્ટાર્ટ અપના પ્રદર્શન માટેનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે કારણ કે નવીનીકરણનો પ્રવાહ તેમાં ઘણો વધારે જોવા મળે છે. આપણે તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને ભારતને નવીનીકરણ અને ઉદ્યોગો માટે સૌથી આકર્ષક સ્થળ બનાવવું જોઈએ અને આ માત્ર સરકારના પ્રયત્નો દ્વારા જ શક્ય નહીં બની શકે. તે તમારા જેવા યુવાનોના માધ્યમથી શક્ય બની શકશે. શ્રેષ્ઠ વિચારો કોઈ સરકારી ભવન કે આકર્ષક કચેરીઓમાંથી નથી મળી આવતા. પરંતુ એ તમારા જેવા પરિસરમાંથી આવે છે, તમારા જેવા યુવાનોના મગજમાંથી ઉદભવે છે.

મારી તમને અને તમારા જેવા યુવાનોને એ જ વિનંતી છે કે ભારતમાં નવીનીકરણ કરો, માનવતા માટે નવીનીકરણ કરો.

જળવાયુ પરિવર્તનને પહોંચી વળવાથી માંડીને વધુ સારા કૃષિ ઉત્પાદનની ખાતરી સુધી, સ્વચ્છ ઊર્જાથી લઈને જળ સંરક્ષણ સુધી, કુપોષણ સામે લડવાથી માંડીને અસરકારક કચરા નિકાલ સુધી. ચાલો આપણે એ બાબતની ખાતરી કરીએ કે શ્રેષ્ઠ વિચારો ભારતીય પ્રયોગશાળાઓમાંથી આવશે અને ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી આવશે. ભારતમાં સંશોધન અને નવીનીકરણના જુસ્સાને પ્રોત્સાહન આપવા માટે અમારા તરફથી અમે શક્ય તેટલું બધું જ કરી રહ્યા છીએ.

વીતેલા ચાર વર્ષોમાં 7 નવા આઈઆઈટી, 7 નવા આઈઆઈએમ, 2 આઈઆઈએસઈઆર અને 11 આઈઆઈઆઈટીને મંજુરી આપવામાં આવી છે. માળખાગત સુવિધાઓને વધુ સારી બનાવવા માટે રાઈઝ (RISE) એટલે કે રીવાઈટલાઈઝેશન ઑફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ ઇન એજ્યુકેશન (શિક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રણાલીઓનો પુનરોદ્ધાર) કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત આવનારા ચાર વર્ષોમાં એક લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. નવા સંસ્થાનો, નવી માળખાગત સુવિધાઓ જરૂરી છે પરંતુ તેના કરતા પણ જરૂરી છે ત્યાંથી તૈયાર થઈ રહેલ કુશળ શક્તિ. સરકાર તેના પર પણ ધ્યાન આપી રહી છે.

સાથીઓ,

અત્યારે દેશ દર વર્ષે લગભગ 7 લાખ એન્જીનિયર તૈયાર કરે છે, પરંતુ કેટલાક લોકો માત્ર ડીગ્રી લઈને જ નીકળે છે. તેમની અંદર જરૂરી કૌશલ્યની ક્ષમતા વિકસિત થતી નથી. હું અહિયાં ઉપસ્થિત શિક્ષકોને, બુદ્ધિજીવીઓને આગ્રહ કરું છું કે આ વિષયમાં તેઓ થોડો વિચાર કરે, કઈ રીતે ગુણવત્તામાં સુધારો કરી શકાય તે અંગે સૂચનો લઇને આવે. માત્ર સંખ્યા જ નહીં પરંતુ ગુણવત્તા પણ ઊંચા સ્તરની હોય તે બાબતની ખાતરી કરવી આપ સૌની, આપણા સૌની સામુહિક જવાબદારી છે. તેના માટે સરકાર પ્રયાસો પણ કરી રહી છે.

તમારી જાણમાં હશે કે સરકાર પ્રધાનમંત્રી રીસર્ચ ફેલો યોજના ચલાવી રહી છે. તે અંતર્ગત દર વર્ષે દેશભરના એક હજાર મેધાવી એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને સંશોધન માટે સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહી આ યોજનામાં પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પીએચડી માટે, આઈઆઈટી અને આઈઆઈએસસી જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં જ પ્રવેશ મેળવવાની વ્યવસ્થા હોય છે. આ ફેલોશીપ તમને દેશમાં રહીને જ સંશોધન માટે સર્વ શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાનો અવસર ઉપલબ્ધ કરાવી રહી છે. આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પણ તેનો લાભ ઉઠાવવો જોઈએ.

સાથીઓ,

અહિયાં જેટલા પણ લોકો બેઠેલા છે, તેઓ કાં તો શિક્ષક છે અથવા પછી ભવિષ્યના નેતાઓ છે. તમે આવનારા સમયમાં દેશને માટે અથવા કોઈ સંસ્થાનને માટે નીતિ નિર્ધારણના કામમાં જોડાવાના છો. તમે જાણે ટેકનોલોજી અને નવીનીકરણ વડે નવા સ્ટાર્ટ અપને માટે તમારી જાતને તૈયાર કરી રહ્યા છો. શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, તેના માટે તમારું એક નિશ્ચિત વિઝન પણ હશે.

સાથીઓ,

જુના રીત રીવાજોને છોડવા એ ખરેખર સહેલું નથી હોતું. સમાજ અને સરકારી વ્યવસ્થાઓની સાથે પણ આ સમસ્યા થતી હોય છે. કલ્પના કરો કે હજારો વર્ષોથી જે આદતો વિકસિત થઇ, સેંકડો વર્ષોથી જે વ્યવસ્થા ચાલી રહી હતી, તેમાં પરિવર્તન માટે લોકને મનાવવા એ કેટલું અઘરું કામ છે. પરંતુ જ્યારે તમારી વિચારધારા અને કર્મના કેન્દ્રમાં સમર્પણ, ઉત્સાહ અને મહત્વકાંક્ષા હોય છે તો તમે બધા જ અવરોધોને પાર કરવામાં સફળ બની જાવ છો.

આજે સરકાર તમારા સૌની, દેશના કરોડો યુવાનોની આકાંક્ષાઓને સામે રાખીને કામ કરી રહી છે. મારો આપ સૌને એટલો જ આગ્રહ છે કે પોતાની નિષ્ફળતાની મૂંઝવણને મનમાંથી કાઢી નાખો, સફળતા મળશે કે નહી મળે, કરું કે ન કરું, આ મૂંઝવણને કાઢી નાખો અને આકાંક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઊંચા લક્ષ્યો, ઊંચી વિચારધારા, તમને વધુ પ્રેરિત કરશે, મૂંઝવણ તમારા કૌશલ્યને મર્યાદાઓમાં બંધી નાખશે.

સાથીઓ,

માત્ર આકાંક્ષાઓ જ હોવી જરૂરી નથી, લક્ષ્ય પણ મહત્વનું હોય છે. તમારામાંથી આજે જેઓ અહિયાંથી બહાર નીકળી રહ્યા છે કે પછી આવનારા વર્ષોમાં નીકળવાના છે, આપ સૌ કોઈ ને કોઈ સંસ્થાન સાથે જોડાવાના છો. કોઈ નવા સંસ્થાનનો પાયો ખોદવાના છો. મને આશા છે, આવા દરેક કાર્યમાં તમે દેશની જરૂરિયાતો, દેશવાસીઓની જરૂરિયાતોનું જરૂરથી ધ્યાન રાખશો. એવી અનેક સમસ્યાઓ છે જેનું સમાધાન તમે સૌ શોધી શકો છો.

સાથીઓ,

સવા સો કરોડ દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે, જીવન જીવવાની સરળતાને સુનિશ્ચિત કરવા માટે તમારા દરેક પ્રયાસ, દરેક વિચારની સાથે આ સરકાર ઊભી છે, તમારી સાથે ચાલવા માટે તૈયાર છે. એટલા માટે મારી જ્યારે પણ તમારા જેવા વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિક ભાઈઓ, ઉદ્યમીઓ સાથે વાતચીત થાય છે તો હું આઈઆઈટી જેવા તમામ સંસ્થાનોની આસપાસ શહેર આધારિત વૈજ્ઞાનિક એકમોની ચર્ચા જરૂરથી કરતો હોઉં છું. ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઉદ્યોગો, સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા તમામ લોકોને એક જ જગ્યા પર, એકબીજાની જરૂરિયાતોના હિસાબે કામ કરવાનો, સંશોધન અને વિકાસ કરવાનો અવસર મળે. હવે જેમ કે મુંબઈના જે વિસ્તારમાં તમારું સંસ્થાન છે, તેને જ ઉદાહરણ તરીકે લો. મને જાણકારી આપવામાં આવી છે કે અહિયાં ગ્રેટર મુંબઈમાં લગભગ 800 કોલેજો અને સંસ્થાનો છે જેમાં લગભગ સાડા 9 લાખ યુવાનો અભ્યાસ કરી રહ્યા છે. આજે જ્યારે આપણે અહિં પદવીદાન માટે એકત્ર થયા છીએ, આ તે સંસ્થાનનું ડાયમંડ જ્યુબીલી વર્ષ પણ છે, આ અવસર પર તમને હું એક સંકલ્પ સાથે જોડવા માંગું છું. શું આઈઆઈટી બોમ્બે, શહેર આધારિત ઉત્કૃષ્ઠતા કેન્દ્ર બની શકે તેમ છે?

સાથીઓ,

તમે સારી રીતે જાણો છો કે સરકારે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)ને કાયદો બનાવીને વધુ સ્વાયત્તત્તા આપી છે. સરકારે એ વાત પર પણ ભાર મુક્યો છે કે આઈઆઈએમથી ભણીને નીકળનારા વિદ્યાર્થી – ભૂતપૂર્વ વિદ્યાર્થી, આ સંસ્થાનોમાં વધુ સક્રિય ભૂમિકા નિભાવે. આઈઆઈએમના બોર્ડ ઑફ ગવર્નરમાં પણ તેમને પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે. હું સમજુ છું કે આઈઆઈટી જેવા સંસ્થાનોએ પણ પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અનુભવોનો ફાયદો ઉઠાવવા માટે આ પ્રકારના નિર્ણયો પર વિચાર વિમર્શ કરવો જોઈએ. તેમ થવાથી એ ભૂતપૂર્વ વિદ્યાર્થીને પણ પોતાના સંસ્થાન માટે વધુ કંઈક સારું કરવાનો અવસર મળશે. મારી સામે બેઠેલો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને મારી આ વાતથી આપ સૌ સહમત થશો કે ભૂતપૂર્વ વિદ્યાર્થી એક એવી શક્તિ છે જે આ સંસ્થાનને નવી ઉંચાઈ આપવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેમ છે. મને જણાવવામાં આવ્યું છે કે માત્ર આઈઆઈટી બોમ્બેના જ 50 હજારથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. તેમના જ્ઞાન, તેમના અનુભવનો ઘણો મોટો ફાયદો તમને મળી શકે તેમ છે.

સાથીઓ,

અહિયાં પહોંચવા માટે તમે ઘણો પરિશ્રમ કર્યો છે. તમારામાંથી અનેક સાથીઓ એવા હશે જેઓ અવ્યવસ્થાની સામે ઝઝૂમીને પણ અહિં સુધી પહોંચ્યા હશે. તમારામાં અદભૂત ક્ષમતા છે, જેના વધુ સારા પરિણામો પણ તમને મળી રહ્યા છે. પરંતુ એવા પણ લાખો યુવાનો છે જેઓ અહિયાં આવવા માટે પરિશ્રમ કરે છે પરંતુ તેમને સફળતા નથી મળી શકતી. તેમની અંદર કૌશલ્યની અછત છે એવું નથી. તક અને માર્ગદર્શનના અભાવમાં તેમને આ મોકો નથી મળી શક્યો. એવા અનેક વિદ્યાર્થીઓના જીવનમાં, તેમનું માર્ગદર્શન કરીને તમે એક નવી શક્તિ, નવી ચેતના, નવો પ્રકાશ લાવી શકો છો. અને તે વધુ સારું થશે જો આઈઆઈટી બોમ્બે આસપાસની શાળાઓની માટે આઉટરીચ કાર્યક્રમો બનાવે. નાના-નાના બાળકોને અહિં પરિસરમાં લાવવાની વ્યવસ્થા હોય જેથી કરીને તેઓ વૈજ્ઞાનિક સંશોધન માટે પ્રેરિત થાય. તમારી જાણમાં હશે કે હવે અટલ ટીંકરીંગ લેબનું પણ એક ઘણું મોટું અભિયાન દેશની શાળાઓમાં ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, થ્રીડી પ્રિન્ટીંગ, જેવી નવી ટેકનોલોજીથી બાળકોને પરિચિત કરવામાં આવી રહ્યા છે. શાળાઓમાં આ પ્રકારના આઉટરીચથી આ અભિયાનને મદદ મળશે. શક્ય છે કે નાના મગજના નવીન વિચારો વડે ક્યારેક-ક્યારેક આપણને મોટાઓને પણ, આપ સૌને પણ કંઈક નવી પ્રેરણા મળી જાય.

સાથીઓ,

આજે જે ડીગ્રી તમને મળી છે, તે તમારા સમપર્ણ, લક્ષ્ય પ્રત્યે તમારા સમર્પણનું પ્રતિક છે. યાદ રાખજો કે આ એક પડાવ માત્ર છે, વાસ્તવિક પડકાર તો બહાર તમારી રાહ જોઈને ઉભો છે. તમે આજ સુધી જે પ્રાપ્ત કર્યું અને આગળ પણ જે કરવા જઈ રહ્યા છો, તેની સાથે તમારી પોતાની, તમારા પરિવારની, સવા સો કરોડ દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે. તમે જે કરવાના છો તેનાથી દેશની નવી પેઢીનું ભવિષ્ય પણ બનશે અને નવું ભારત પણ મજબુત થશે.

કરોડો આશાઓને પૂર્ણ કરવામાં તમે સફળ થાવ, તેના માટે એક વાર ફરી ખૂબ-ખૂબ શુભકામનાઓ, ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, આપ સૌની વચ્ચે કેટલોક સમય વિતાવવાનો અવસર મળ્યો હું મારી જાતને ધન્ય માનું છું.

ખૂબ-ખૂબ આભાર!

 

NP/J.Khunt/RP